વાંસદા: હાલમાં નવસારીના વાંસદા તાલુકાના કોવીડ 19ના જનજાગૃતિ અભિયાન દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થાનિક વિસ્તારના પોતાના આદિવાસી ભાઈ બહેનોને કોરોના સંદર્ભે ભગત-ભૂવા પાસે ન જતાં આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવી સારવાર લેવાની અપીલ કરી છે.
વાંસદાના લિમઝર ખાતે લોકોને સંબોધન કરતા અનંત પટેલે કહ્યું કે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે આદિવાસી સમાજના લોકો હજુ પણ શરદી તાવ ઉધરસ કે માથા દુઃખાવાની બીમારીને ભગત-ભૂવાઓ પાસે જઈને સારું કરવા મથામણ કરતા જોવા મળી રહ્યા છે. આનું કારણ કદાચ કોરોના મહામારી અંગેની નહીંવત જાણકારી અને મોટાભાગના કોરોનાના ભોગ બનેલા દર્દીઓના મૃત્યુના આંકડાઓ પણ તેમને કોરોના ટેસ્ટ કે કોરોનાની સારવાર ન લેતા હોય એમ બની શકે છે. પરંતુ કોરોના લક્ષણો જણાય ત્યારે જ પ્રથમ ચરણમાં જ સારવાર લઇ લેવામાં આવે તો કોરોનાને માત પણ આપી શકાય છે એમ અનંત પટેલ લોકોને જણાવ્યું હતું.
લિમઝર ખાતે યોજાયેલા કોરોના જનજાગૃતિ અભિયાનની બેઠકમાં અનંત પટેલ સાથે સ્થાનિક સરપંચ બહાદુરભાઈ સી.એચ.સીના ડો. તકન પટેલ ડો. હસમુખભાઈ ગાવિત અને રૂપસીભાઇ જોડાયા રહ્યા હતા આ બેઠકમાં ગામના યુવાનો, સ્ત્રીઓ અને વડીલોએ બોહળા પ્રમાણમાં કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી પોતાની હાજરી આપી હતી.