સ્માર્ટફોન આજે વધુ સ્માર્ટ બનતા જાય છે, પરંતુ એ સ્માર્ટફોનને સ્માર્ટ ટકાવી રાખવાની જવાબદારી જે-તે યુઝર્સની હોય છે. આજે નવા-નવા સ્માર્ટફોન બજારમાં આવતા જાય છે, પરંતુ એનો મતલબ એ નથી કે તમારો સ્માર્ટફોન આઉટડેટેડ થઈ ગયો છે. સ્માર્ટ ફોનને ટકાવી રાખવા માટે કેટલાક મુદ્દાને ધ્યાનમાં લેવા જરૂરી છે.
ફોન ક્યારે આઉટડેટેડ થશે?:
મોટા ભાગે સ્માર્ટફોન જ્યારે લો થશે ત્યારે એ સ્માર્ટફોન કયા વર્ષમાં લૉન્ચ થયો છે એ જોઈ લેવું. કંપની તેમના મૉડલને અંદાજે ચારથી પાંચ વર્ષ સુધી ઑપરેટિંગ સિસ્ટમની સૉફ્ટવેર અપડેટની સુવિધા આપતી હોય છે. આથી ૨૦૨૧માં ૨૦૧૮નું મૉડલ લેશો તો એ એક વર્ષની અંદર આઉટડેટેડ થઈ જશે. આથી જો ફોનને ચાર કે એનાથી વધુ વર્ષનો ઉપયોગ કરવો હોય તો હંમેશાં ચાલુ વર્ષનું મૉડલ લેવું.
ચાર્જિંગ પોર્ટની સફાઈ
સ્માર્ટફોનને સાફ રાખવું ખૂબ જરૂરી છે. જો એમાં સૌથી વધુ કાળજી રાખવી પડતી હોય તો એ છે ચાર્જિંગ પોર્ટની. આ પોર્ટની અંદર ધૂળ જવાથી સમય જતાં એ પોર્ટથી સ્પીડમાં ચાર્જ નથી થતું. પરિણામે તમારે વધુ સમય ફોનને ચાર્જમાં રાખવો પડે છે અને એની આડઅસર બૅટરી પર પડે છે. આથી ટૂથપિકની મદદથી ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અથવા તો કોઈ પણ કચરાને કાઢતા રહેવું. ટાંકણી કે સોય જેવી સ્ટીલ અથવા તો લોખંડની વસ્તુનો ઉપયોગ ન કરવો.
બૅટરી બદલવી
મોટા ભાગના લોકોને પહેલાં નહોતી ખબર કે આઇફોનમાં પણ બૅટરી રિપ્લેસ કરી શકાય છે. ૨૦૧૮માં બૅટરીનો ઇશ્યુ આવવાથી ઍપલે જ્યારે યુઝર્સને ફોર્સ કર્યો હતો કે બૅટરી બદલાવવા આવો ત્યારે તેમને જાણ થઈ કે એમાં બૅટરી પણ બદલી શકાય છે. જોકે હવે નવી ઑપરેટિંગ સિસ્ટમ આવતાં એમાં બૅટરી હેલ્ધ નામે એક ફીચર આવે છે. આઇફોનમાં બૅટરીનું આયુષ્ય ૮૦ ટકા થઈ જાય એટલે એ તમને બૅટરી રિપ્લેસ કરવા માટે સૂચન આપે છે. આ સમયે બૅટરી બદલાવી નાખવી વધુ હિતાવહ છે, કારણ, જો એ સમયે બૅટરી બદલવામાં ન આવે તો જતે દહાડે એ બૅટરી ફૂલી જશે અને એને કારણે સ્ક્રીન અથવા તો મધરબોર્ડ અથવા તો બન્ને ડૅમેજ થઈ શકે છે. જો સ્માર્ટફોનનો ઉપયોગ લાંબા સમય માટે કરવાના હો તો દર બે વર્ષે બૅટરી બદલવી સમજદારીભર્યું કામ છે અને એથી પર્ફોર્મન્સમાં યુઝર્સ પોતે વધારો જોઈ શકશે.
સ્ટોરેજ પર ધ્યાન રાખવું
મોટા ભાગે ફોન ધીમો થવાનું પહેલું કારણ સ્ટોરેજ છે. સ્ટોરેજ ઓછી થતાં ફોનના પર્ફોર્મન્સ પર એની અસર પડે છે. વધુ સ્ટોરેજની જરૂર હોય તો ક્લાસ-10 મેમરી કાર્ડ લઈને એમાં સ્ટોર કરવું જોઈએ. ૮૦ ટકા સ્ટોરેજનો ઉપયોગ થઈ જતાં પર્ફોર્મન્સ પર એની અસર જોવા મળે છે. આથી હંમેશાં ૨૫ ટકા સ્ટોરેજ ફ્રી રહે એવો આગ્રહ રાખવો. મોબાઇલ સ્લો થઈ જતાં મેમરી સાફ કરવી. એ પછી પણ પર્ફોર્મન્સ ન સુધરે તો એના ડેટા અને સેટિંગ્સને રીસેટ કરવું જેથી ફૅક્ટરી સેટિંગ્સ આવી જાય અને ફોન ફરી પર્ફોર્મન્સ આપતો થઈ જાય.
ડિસ્પ્લે પ્રોટેક્શન
સ્માર્ટફોનની સ્ક્રીનને પ્રોટેક્ટ કરવું ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી એના પર સ્ક્રીન પ્રોટેક્શન લગાવીને રાખવું તેમ જ સ્ક્રીનનો ઉપયોગ કરવા માટે નખ નહીં, પરંતુ આંગળીના ટેરવાનો ઉપયોગ કરવો. સ્માર્ટફોનમાં સૌથી મોંઘી કોઈ વસ્તુ હોય તો એ ડિસ્પ્લે છે. ઓરિજિલન ડિસ્પ્લે અને ડુપ્લિકેટ ડિસ્પ્લેના ઉપયોગમાં પણ આસમાન-જમીનનો ફરક છે અને એ પર્ફોર્મન્સ પર પણ અસર કરે છે. નાની ક્રૅકને નજરઅંદાજ કરવામાં એમાંથી ધૂળ, પરસેવો અને મોઇશ્ચર વગેરે એમાંથી અંદર જઈ શકે છે અને મધરબોર્ડ અથવા તો અન્ય કમ્પોનન્ટને ડૅમેજ કરી શકે છે.
ફોનને ક્યારે ચાર્જ કરવું.
અમુક ફોનમાં બેટરીનો પ્રોબ્લેમ હોવાથી ફોન ચાર્જ થતા વાર લાગે છે, અને તે ફોનની બેટરી પણ તરત પુરી થઇ જાય છે.આવી પરિસ્થિતિમાં બેટરીનો બદલવા કરજો જરૂરી છે. ક્યારે પણ રાતના સમયે ઊંઘતી વખતે ફોન ચાર્જ પર રાખવો જોયે નહિ કારણ કે સવાર સુઘીજો ફોન ચાર્જીંગમાં હોય તો મધરબોર્ડ તેમજ બેટરી ગરમ થઇ જાય છે જેથી કરીને ફોન ને નુકશાન થાય છે, અને બેટરીને પણ નુકશાન થાય છે. જેથી કરીને ફોન ચાર્જ થયા પછી ચાર્જીંગ માંથી ફોનને લઇ લેવું.