દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં આપણા પ્રદેશના કેટલાંક જિલ્લાના નવસારીના બીલીમોરા અને ડાંગના સાપુતારા વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતીના પાકને નુકસાન જવાની પ્રદેશના સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાકભાજીના પાક અને કેરીના પાકને નુકસાનનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.
ડાંગના 12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડ્તા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.
સાપુતારાના ખેડૂત સતીષ પટેલ Decision News સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવે છે કે ભર ઉનાળામાં વરસેલા આ વરસાદના લીધે વાતાવરણમાં મોટા પાયે બદલાવ આવ્યો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા ભાગે કેરીની સીઝનમાં પોતે સારો નફો મેળવવાની આશ લગાવીને બેઠા હોય છે જેનાથી તેમના વર્ષ દરમિયાનનો ખર્ચ કે વર્ષમાં થયેલા દેવાની ભરપાઈ કરી શકે પરંતુ જો કમોસમી વરસાદ અને વાતાવરણમાં વારંવાર થતા પલટાના કારણે ખેડૂતો આશ ધુંધળી બની જશે એવો ભય સ્થાનિક ખેડૂતોને સતાવી રહ્યો છે.