દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

આહવા: વર્તમાન સમયમાં આપણી આસપાસ તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા સુમસામ જગ્યા કે કચરા પેટીમાં ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ મન અને મસ્તિસ્કના જ્ઞાનતંતુઓ પણ ઘડી બેઘડી માટે શિથિલ બની જતું હોય છે. આ ચિંતાજનક સવાલને થોડા અંશે દુર કરવા અને આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને લાચારી કે નિર્દયતાને કારણે આવા ત્યજી દેવાયેલા નવજાત શિશુઓનુ અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે સંવેદનશીલ રાજ્ય સરકારે ઠેર ઠેર ‘અનામી પારણુ’ મુકવાનુ અભિયાન આદર્યું છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની સિવિલ હોસ્પિટલમાં પણ આજે આવુ જ એક ‘અનામી પારણુ’ મુકવામા આવ્યુ છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનની માતા-પિતા કે તેમના વાલીઓને પોતાના સંતાનને અવાવરુ જગ્યાએ કે ઉકરડા ઉપર ત્યજી ન દેતા, અહી ઉપલબ્ધ છત્રછાયા તળે મૂકી જવાની તક મળી રહેશે. જેથી કોઈ અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે.

રાજ્ય સરકારના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ ત્યજી દેવાયેલા નવજાત શિશુઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 મુજબ દત્તક આપવાની પ્રક્રિયા હેઠળ તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવા ઇચ્છુક વાલીઓને સોંપવામા આવશે.