નવગુજરાત સમય ફોટોગ્રાફ્સ

ચીખલી: ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ભયંકર ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે આવા સમયે ગત રોજ ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર સાંજના સમયે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા જ ધુમાડાના ગોટા ગોટા ફરી વળ્યાં હતા. ભડાકા સાથે ફાટી નીકળેલ આગને પગલે એક સમયે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ હાજર થઇ ગયો હતો અને કોઈ મોટી જાનહાની ન થાય એની તકેદારી લીધી હતી.

અચાનક લાગેલી આગને સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે જાહેર માર્ગ ઉપર અચાનક ટ્રાન્સફોર્મરમાં આગથી એક સમયે લોકોમાં અફરાતફરી તો મચી પણ કોઈ મોટી દુર્ઘટના ન બની એ રાહતની વાત છે.