ધરમપુર: વાંસદાના કામળઝરી ગામમાંથી ગરીબો માટેનું સરકારી અનાજ કાળા બજારમાં જતું હોવાની બુમરાણ વચ્ચે બોપી ગામે વાહન ચેકિંગમાં ૯૩૦ કિલો ઘઉંનો શંકાસ્પદ સરકારી જથ્થા સાથે ઇકો ઝાડપાવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ધરમપુર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બિલ વિનાના ઘઉંના જથ્થા સાથે વાંસદા તરફથી આવેલી ઇકો કારને પકડી પાડી હતી. પોલીસે મુદ્દામાલ ધરમપુર પુરવઠા વિભાગને સોંપ્યો હતો. પોલીસે વાંસદા તરફથી આવતી કાર નં.GJ-21-CA-9331ને રોકી તપાસમાં ઘઉંના આશરે ૨૦ બાચકા મળી આવ્યા હતા.
ધરમપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સામે આવ્યું છે કે મૂળ રાજસ્થાનના હાલે વાંસદા તાલુકાના કામળઝરી અંકલાછના ચાલક ઈશ્વર પન્નાલાલ ગુજજરે ઘઉંનો જથ્થો મારુતિ નંદન કિરાણા સ્ટોર વાંસદા તાલુકાના કામળઝરી ખાતેથી લાવી હનમતમાળ દેવનારાયણ કિરાણા સ્ટોરમાં આપવાનો હતો. પોલીસે અંદાજે ૯૩૦ કિલો ઘઉં એટલે કે રૂપિયા ૧૮,૪૦૦ અને કાર કિંમત ૫૦,૦૦૦ કબ્જે કરી પુરવઠા વિભાગ જમા કરાવ્યું છે.
આજે આવા કાળા બજાર વાંસદા ચીખલી ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં લોકોના કહેવા અનુસાર મોટા પ્રમાણમાં થઇ રહી છે જો પોલીસ તપાસ આદરવામાં આવે તો આ ગરીબ આદિવાસીના અન્નની ચોરી કરતા ચોરો અને એને વેચતા દલાલો રંગે હાથે ઝડપાય શકે છે અને આ માટે લોકોએ જ આગળ આવી આ લુખ્ખા તત્વોને ખુલ્લા પાડવા પડશે.