આજે ૨૧ માર્ચ વિશ્વ વન દિવસ વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વર્તમાન સમયમાં જોઈએ તો દેશમાં છ સાત દાયકાઓમાં વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડથી વધારે થવા આવી છે. આ વસ્તીવધારાને લીધે દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ તરોતાજા થઇ છે. વસ્તી વધારાના કારણે ધીમે ધીમે જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું આ સિવાય હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ વર્તમાન સમયમાં ભયજનક હદે જોવા મળી રહ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાનો મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ.
વૃક્ષો આપણા જીવનમાં વિવિધ રીતે ઉપયોગી બને છે. વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા વધારે છે.
આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. જેથી વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.
આજે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે ત્યારે આપણે વનમહોત્સવ ઊજવવા લાગ્યા છીએ. હાલમાં પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે.
ચલો આજના વર્લ્ડ ફોરેસ્ટ ડે પર આપણે નિર્ણય કરીએ કે, આપણે દર વર્ષે, પાંચ વૃક્ષ વાવીએ અને જતન કરી મોટું કરીએ જેથી આવનાર નવી પેઢીને વૃક્ષો વાવવા માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરીએ. આમ ન્યુ જનરેશનમાં વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે અને પર્યાવરણ સચવાશે.