શૂલપાણેશ્વર વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે નર્મદા જિલ્લામાં વિરોધ વધી રહ્યો છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જાહેતર થઇ છે, અને નર્મદા જિલ્લામાં પણ ચુંટણીનું યોજાવાની છે, ત્યારે વિરોધ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં BTPએ ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ 5 બચાવોના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું હતું. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ BTPના રાષ્ટ્રીય મહાસચિવ રાજ વસાવા, નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભાને સંબોધી હતી.
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે બાપ-દીકરા છે. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદિવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દિકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે. ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે, 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે. આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી પણ નસીબ નથી થતું.
ધારાસભ્ય મહેશ વસાવાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે તમે પોલીસ બોલાવે કે મિલેટરી પણ અમે આદિવાસીઓના વિસ્તારમાં બહારના લોકોને કોઈ પણ ભોગે આવવા નહિ દઈએ, ભલે તમે અમને આતંકવાદી કે નક્સલવાદી કહો અમને કશી પડી નથી. જે પણ લોકો આદિવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ. તમે બંદૂક ઉઠાવશો તો અમે તમારી સામે તીર કામઠા ઉઠાવીશું. આદિવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો.
ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોનનું આંદોલન વધતા સરકાર ઝૂકી ગઈ હતી અને એન્ટ્રીઓ સ્થગિત કરી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાનુ રાજીનામાનુ એક સ્ટંટ હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે સરકારે ચૂંટણી પૂરતી આ એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પતશે એટલે એન્ટ્રીઓ પાડવાનું ચાલુ થઈ જશે. નર્મદા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મેં જ પ્રશ્ન પૂછ્યો કે ઈકો સેન્સેટિવ ઝોન રદ ક્યારે થશે ત્યારે કલેકટરે જવાબ આપ્યો કે એ કેન્દ્રનો પ્રશ્ન છે. વધુમાં જણાવ્યું હતું કે ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે કેવડિયામાં આંદોલન પર બેઠા હતા ત્યારે કાયદો એવો છે કે સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મહિલાઓની પોલિસ ધરપકડ ન કરી શકે તે છતાં કેવડિયા પોલીસે આંદોલન કરી રહેલી મહિલાઓને વહેલી સવારે 4 વાગે અટકાયત કરી હતી.
વધુમાં વસાવાએ જણાવ્યું હતું કે સરકારે ઈકો સેન્સેટિવ ઝોન બનાવી જંગલમાં સુતેલા આદિવાસી સિંહને જગાડ્યો છે, છંછેડયો છે. સરકારે અમારું લોહી પીધું છે હવે અમારો વારો છે અમે પણ એમનું લોહી પીવામાં કચાસ નહિ રાખીએ. અનામતના નામે ફાલતુ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને તેઓ ભાજપ કોંગ્રેસના હાથા બની આદિવાસીઓને છેતરે છે પણ હવે જનતા એવા લોકોને ઓળખી ગઈ છે.