બારડોલી: વર્તમાન સમયમાં આપણા સમાજના સામજિક અને આર્થિકક્ષેત્રમાં આધારભૂત ગણાતા કૃષિક્ષેત્રમાં ટેરેસ ફાર્મિંગ એટકે કે ધાબા ખેતીના નવા ટ્રેડએ શહેરમાં રહેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ગાંધી વિચારધારાના મુલ્યો સાથે જીવન જીવતા ધરમપુર બીલપુડી કોલેજના અધ્યાપકની ફરજ બજાવતા ઠાકોરભાઈની ઓર્ગનિક ધાબા ખેતીની એક વાત.
ઠાકોરભાઈએ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પોતાના ઘરના ટેરેસ પર વિવિધ સ્વ પ્રયોગો કરી ધાબા ખેતીમાં સફળતા મેળવી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે પોતાના ઘરે ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ પણ શરૂ કર્યું છે. તેઓ પોતાની ધાબા ખેતીમાં મુખ્યત્વે ઔષધિઓ, ફળો અને શાકભાજી પણ ઉગાડે છે.
ઠાકોરભાઈની સાથે વાત કરતા તેઓ કહે છે કે ધાબા ખેતીએ મારો રસનો વિષય છે. ધાબા ખેતી કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટેરેસ ફાર્મિંગમાં ઔષધીઓનું સંવર્ધન કરવું, ધાબા ખેતીની સમાજમાં અને શહેરીજનોમાં એક આગવી સમજ કરી લોકોને પોતાના ટેરેસ પર ધાબા ખેતી તરફ વળવાનો છે.