ગુજરાતના મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચારયુદ્ધ હવે અંતિમ તબબકામાં પહોંચી ગયું છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઘુરંઘરો મોરબી અને માળીયામાં ચૂંટણી સભા ગજાવી રહ્યાં છે. ત્યારે મોરબી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે દ્વારા ચૂંટણી જીતશે તો પગાર નહીં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આવનાર 3 નવેમ્બરે રાજ્યમાં ૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મતદાતાને રીઝવવા માટે ચૂંટણી પ્રચારમાં અવનવા પ્રયોગ અને જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે પેટાચૂંટણી પહેલા મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે કહ્યું કે, હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં, મારો તમામ પગાર જનતાની સેવામાં વાપરીશ. જયંતિ પટેલે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, હું જયંતીલાલ પટેલ વચન આપું છું કે ધારાસભ્ય બનીશ તો ૨૨ મહિનાનો અંદાજિત રૂપિયા ૨૪,૦૦,૦૦૦/-થી વધુ પગાર મોરબી માળીયાની જનતાની સેવામાં વાપરીશ. મહત્વનું છે કે, આ મોરબીના કોંગી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ છે એ અજાણ નથી.
મોરબીના જયંતિ પટેલે ભરેલા ઉમેદવારી ફોર્મમાં પોતાની જંગમ મિલ્કત રૂ. ૬.૭૨ કરોડની તેમજ સ્થાવર મિલકત રૂ. ૫૦.૮૫ લાખની દર્શાવી છે. તેઓના પત્ની ઉષાબેનના નામે જંગમ મિલકત રૂ. ૧.૬૭ કરોડની તેમજ હિન્દૂ અવિભક્ત કુટુંબના નામે જંગમ મિલકત ૨.૦૧ કરોડની છે. વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં જયંતીભાઈની આવક રૂ. ૯૯.૫૦ લાખ, તેઓના પત્નીની રૂ. ૨૬.૮૦ લાખ અને હિન્દૂ અવિભક્ત કુટુંબની રૂ. ૩૩.૫૯ લાખ રહી હતી. તેઓ પાસે હાથ પરની રોકડ માત્ર રૂ. ૧૯,૦૧૨ તેમની પત્ની પાસે ૧.૧૭ લાખ રૂપિયા છે.
જયંતિ પટેલ બેન્કની તેમજ અન્ય સંસ્થાઓની થાપણો રૂ. ૫.૬૮ કરોડ તેમજ પત્નીની રૂ.૨.૩૨ કરોડ છે. સન ગ્લોઝ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ રૂ. ૩.૬૧ કરોડનું રોકાણ ધરાવે છે. તેઓએ ઇમ્પીરિયમ સિરામિક પ્રા.લી.ને રૂ. ૭૫ લાખની લોન આપી છે. તેઓ રૂ.૧૬.૫૦ લાખની એક કાર ધરાવે છે. રૂ. ૧.૫૦ લાખની કિંમતનું ૭૫ ગ્રામ સોનુ ધરાવે છે. તેઓની પત્ની પણ રૂ. ૨.૫૦ લાખની કિંમતનું ૩૦૦ ગ્રામ સોનુ ધરાવે છે. સાથે તેઓને અંદાજે ૨ હેકટર જેટલી ખેતીની વારસાગત જમીન પણ છે. તેઓને રાજકોટમાં એક ફ્લેટ તેમજ જોધપરમાં એક અને મોરબીમાં બે મકાન છે. તેઓ ઉપર રૂ. ૧.૪૦ કરોડની લોનની જવાબદારી પણ છે. આ નિર્ણય અને વાયદા ચૂંટણીમાં કેવા પરિણામ આવશે એ આવનાર સમય જ બતાવશે.