8 ઓક્ટોબર 1932નાં રોજ પોતાના ઓપરેશન્સને શરૂ કરનાર ભારતીય વાયુસેના આજે 88માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. પહેલી વખત વાયુસેનાએ 1 એપ્રિલ, 1933નાં રોજ ઉડાન ભરી હતી. પહેલું ઓપરેશન વજીરિસ્તાનમાં કબાલીઓ વિરૂદ્ધ હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ દરમિયાન બર્મામાં પણ મહત્વની ભૂમિકા ભજવી. 1945માં આ રોયલ ઈન્ડિયન એરફોર્સથી જાણીતું હતું, પરંતુ 1950માં ગણરાજ્ય બનતા જ રોયલ શબ્દ હટાવવામાં આવ્યો હતો.
ઈન્ડિયન એરફોર્સની જવાબદારી ભારતના તમામ સંભવિત ખતરાઓથી બચાવવાની છે અને સાથે જ આવતી મુશ્કેલીઓમાં રાહત તેમજ બચાવ કાર્યની પણ છે. વાયુસેના અનેક યુદ્ધોમાં સામેલ રહ્યું- બીજા વિશ્વયુદ્ધ, ભારત-ચીન યુદ્ધ, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન વિજય, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, કોંગો સંકટ. આજે સરહદ પર ચીન અને પાકિસ્તાનના બેવડા પડકાર વચ્ચે ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ 56 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે.
આજના સ્ટેટિક ડિસ્પલેમાં રાફેલને સૌથી વચ્ચે સ્થાન અપાયું છે. ફ્લાય પાસ્ટના ફોર્મેશન્સમાં પણ રાફેલને જગ્યા અપાઈ છે. વિજય ફોર્મેશનમાં રાફેલની સાથે સાથે મિરાજ-2000 અને જગુઆર ફાઈટર જેટ્સ પણ હશે જ્યારે ટ્રાન્સફોર્મર ફોર્મેશનમાં તેજસ અને સુખોઈ વિમાન હશે. એટલે કે આજે આકાશમાં દુનિયા ભારતના રક્ષા બેડામાં હાલમાં જ સામેલ થયેલા રાફેલ અને સ્વદેશી તેજસની તાકાત પણ જોશે.
ભારતીય વાયુસેનાનું પરાક્રમ દુનિયા અનેકવાર જોઈ ચૂકી છે. વર્ષ 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપનાનો નિર્ણય થયો ત્યાર થી લઈને આજ પર્યંત દર વર્ષે આજના દિવસે વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.