ભારતીય ક્રિક્રેટના છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર રહેલા સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે આ ખબર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી. ધોનીએ તેના અત્યાર સુધીના સફરને એક વીડિયો સાથે શેર કર્યા બાદ કહ્યું કે સાંજે 7 વાગી 29 મિનિટથી મને નિવૃત્ત માનવામાં આવે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા તો કહ્યું છે પરંતુ તેઓ આઈપીએલ રમવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ધોની 2020 અને 2021 માં આઈપીએલ રમવાનું ચાલુ રાખશે ત્યાર બાદ સંભવ છે કે તે 2022 માં પણ જોવા મળશે.
મહેન્દ્રસિંહ ધોની 2004 માં બાંગ્લાદેશ સામેની વન-ડે મેચ રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. વર્ષ 2014 માં તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી -20 મેચ રમી છે. તેણે 350 વનડેમાં 10 હજાર 773 રન બનાવ્યા છે, જેમાં તેની શ્રેષ્ઠ 183 રનની અણનમ ઇનિંગ પણ સામેલ છે. તેણે વન ડે માં 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે, જ્યારે 98 ટી -20 મેચોમાં 1617 રન અને બે અર્ધ-સદી ફટકારી. ધોનીએ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ગત વર્ષે 9 થી 10 જુલાઈના ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી અને હવે તેમણે આમ અચાનક નિવૃત્તિનો નિર્ણય જાહેર કરી પોતાના ચાહકોને અચંબિત કરી દીધા છે