વાપી: વાપીમાં ₹5 કરોડની ખંડણી માગવા અને પરિવારના સભ્ય પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પર વલસાડ SOGના PIએ ગોળીબાર કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી સહિત બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, વાપીના જાણીતા અભિષેક જવેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માગવા અને તેમના પરિવારના સભ્ય પર જીવલેણ હુમલો કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસના ભાગરૂપે વલસાડ SOGની ટીમ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ કરાવવા માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ ટીમ આરોપીઓને લઈને પરત ફરી રહી હતી, ત્યારે બલિઠા રેલવે અંડરપાસ પાસે આરોપી જુગરાજસિંહએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાની કોશિશ દરમિયાન તેણે SOGના PI દિનેશ પરમારને કોણી મારી હતી અને પોલીસ વાહનના ડ્રાઇવર પર હાથકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં PI સહિત બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.

પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ નુકસાન પહોંચાડતો તથા ભાગતો અટકાવવા PI દિનેશ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીના પગના ભાગે ગોળી ચલાવી હતી. પગમાં ગોળી વાગતાં આરોપી નીચે પડી ગયો હતો અને પોલીસે તેને ફરીથી દબોચી લીધો હતો. ત્યારબાદ ઘાયલ આરોપી અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દુબઈથી સંચાલિત ખંડણી નેટવર્કનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર ખંડણી કાંડ પાછળ દુબઈમાં જેલમાં બંધ હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોનની સંડોવણી છે. આરોપીઓએ વેપારીની રેકી કર્યા બાદ ખંડણી વસૂલવાના ઇરાદે હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આ કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સો અને સમગ્ર નેટવર્ક અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here