વલસાડ: ગુજરાતમાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકોનું રોટેશન જાહેર થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતેથી સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આદિવાસી સમાજના અધિકારો પર તરાપ મારવામાં આવશે કે રોટેશન પ્રક્રિયામાં અન્યાય થશે, તો સરકાર સામે ઉગ્ર આંદોલન અને કાયદેસરની લડત લડવામાં આવશે.

અનંત પટેલે જણાવ્યું હતું કે, જ્યાં ‘પેસા એક્ટ ૧૯૯૬‘ અને ભાજપ સરકાર દ્વારા બનાવાયેલ ‘પેસા એક્ટ ૨૦૧૭‘ લાગુ પડે છે, ત્યાં બેઠકોની ફાળવણી માત્ર અને માત્ર બંધારણીય જોગવાઈઓ અને નિયમો અનુસાર જ થવી જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમને બિનઆદિવાસી કે બક્ષીપંચ સમાજ સામે કોઈ જ વાંધો નથી, પરંતુ આદિવાસી અનામત બેઠકો પર માત્ર હક્કદારોને જ સ્થાન મળવું જોઈએ. આ મામલે સરકાર સામે સત્તાવાર રીતે વાંધા અરજીઓ અને આવેદનપત્રો પણ આપવામાં આવશે.

ધારાસભ્ય અનંત પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માત્ર કાગળ પરના સર્ટિફિકેટથી કોઈ વ્યક્તિ આદિવાસી બની જતી નથી. ખોટાં કે બનાવટી જાતિ પ્રમાણપત્રો મેળવીને આદિવાસી અનામત બેઠકો પર ચૂંટણી લડવા માગતા શખ્સો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. આ સાથે તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સામે પણ આક્ષેપો કર્યા હતા. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પહેલાં પંચાયત બેઠક રોટેશનનો આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here