વડોદરા/ડભોઈ: આજરોજ ACB દ્વારા કાયદો અને વ્યવસ્થાના રક્ષકો સામે જ લાલ આંખ કરવામાં આવી છે. તાજા કિસ્સામાં, ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા 20,000/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદીએ નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતેથી પોતાના આગોતરા જામીન મંજૂર કરાવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા મુજબ તેઓ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આ દરમિયાન ફરજ પર હાજર PSI એકતાબેન પંડ્યાએ ફરિયાદીનો મોબાઈલ ફોન જપ્ત કરી પોતાની પાસે રાખી લીધો હતો. જ્યારે ફરિયાદીએ પોતાનો મોબાઈલ ફોન પરત માંગ્યો, ત્યારે આરોપી PSIએ ફોન પરત આપવાના બદલામાં 20,000/- લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી આ લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACB નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACB ની ટીમે છટકું (ટ્રેપ) ગોઠવી હતી, જેમાં PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ. 20,000 ની લાંચની રકમ સ્વીકારતા જ ACB ના સકંજામાં સપડાઈ ગયા હતા. ACB દ્વારા આરોપી PSI વિરુદ્ધ કાયદેસરની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવથી પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે કે જો રક્ષક જ કાયદાની આડમાં ખંડણી કે લાંચ વસૂલે, તો સામાન્ય નાગરિકો ન્યાય માટે કોની પાસે જાય?









