નાનાપોઢાં: ગ્રાહકોને અવનવી લોભામણી સ્કીમો અને વચનો આપીને ઇન્સ્યોરન્સ પોલિસી પધરાવી દેતી જાણીતી કંપની ચોલા એમ.એસ. જનરલ ઇન્સ્યોરન્સ (Chola MS General Insurance) નો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાડીનો અકસ્માત થવા છતાં ગ્રાહકનો વાજબી ક્લેમ નામંજૂર કરી કંપનીના કર્મચારી દ્વારા ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધત અને અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે વિવાદ સર્જાયો છે.

​શું છે સમગ્ર મામલો ? Decision News ને ​મળતી માહિતી મુજબ, પીડિત ગ્રાહક કૃતેશભાઈ ભગુભાઈ પટેલની GJ-15-CS-3833 સ્વિફ્ટ કારનો અકસ્માત થતાં નુકસાનીના વળતર માટે ચોલા એમ.એસ. જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ અપ્લાય કરવામાં આવ્યો હતો (ક્લેમ નંબર: 3311/2600160837/OD). અકસ્માતને કારણે વાહનમાં મોટું ભંગાણ અને આર્થિક નુકસાન થયું હોવા છતાં, કંપનીના કર્મચારી હાર્દિક જોશી નામના વ્યક્તિએ ટેલિફોનિક વાતચીતમાં ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ​કંપની દ્વારા એવો હાસ્યાસ્પદ અને બિનજવાબદાર દાવો કરવામાં આવ્યો હતો કે “તમારી ગાડીનો અકસ્માત થયો જ નથી!” – આમ કહીને વાજબી ક્લેમ પાસ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો હતો.

​ગ્રાહકો સાથે છેતરપિંડી અને ગેરરીતિનો આરોપ: ​પીડિત ગ્રાહકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પોલિસી વેચવાની હોય છે ત્યારે કંપનીના એજન્ટો અને પ્રતિનિધિઓ મોટી મોટી વાતો કરીને ગ્રાહકોને લોભાવે છે. પરંતુ જ્યારે ખરેખર ગાડીનો અકસ્માત થાય અને ગ્રાહક મુશ્કેલીમાં મુકાય, ત્યારે ક્લેમ ન ચૂકવવા માટે જાતજાતના બહાના અને નાટકબાજી કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. અગાઉ પણ આ કંપની સામે ગ્રાહકો સાથે આ પ્રકારની ગેરરીતિ અને ક્લેમ રિજેક્ટ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

ગ્રાહકનો રોષ: “ગાડીમાં અકસ્માત થાય તો જ આટલું મોટું નુકસાન થાય. છતાં કંપની પોતાના બચાવ માટે ‘એક્સીડેન્ટ થયો નથી’ જેવા ગેરમાર્ગે દોરનારા બહાના બતાવી ગ્રાહકને આર્થિક અને માનસિક રીતે હેરાન કરી રહી છે. કંપની અને તેના જવાબદાર કર્મચારી હાર્દિક જોશી સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાવા જોઈએ.”

ગ્રાહક સુરક્ષા કોર્ટ અને ઓમ્બુડ્સમેનમાં કાનૂની લડતની તૈયારી: ​કંપનીના આવા ઉદ્ધત વર્તન અને મનસ્વી નીતિ સામે પીડિત ગ્રાહકે હવે ન્યાય મેળવવા માટે ઇન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન (Insurance Ombudsman) તથા ગ્રાહક સુરક્ષા કોર્ટ (Consumer Forum) ના દ્વાર ખટખટાવવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને જનતા સમક્ષ કંપનીની આવી દાદાગીરી અને છેતરપિંડીને ખુલ્લી પાડવાની ચીમકી પણ આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here