કપરાડા: વલસાડ દક્ષિણ વન વિભાગ હેઠળ આવતી કપરાડા તાલુકાની લવકર, ફતેપુર અને કપરાડા રેન્જની વન વિભાગની નર્સરીઓમાં ચાલતી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લવકર સ્થિત સેન્ટ્રલ નર્સરી સહિતની રેન્જોમાં છોડના ઉછેર અને જાળવણી માટે સ્થાનિક બેરોજગાર આદિવાસીઓને પૂરતી રોજગારી ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે, જેના પગલે સમગ્ર મામલે માસ્ટર રોલ, હાજરીપત્રક અને વેતન ચુકવણીની તટસ્થ તપાસ કરવાની માંગ બુલંદ બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડા તાલુકાના લવકર, વરવટ, કર્જુન, ફતેપુર અને કપરાડા જેવા ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર આદિવાસી પરિવારોને નિયમ મુજબ નર્સરીમાં રોજગારીની તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિકો અને આગેવાનોનો આક્ષેપ છે કે નર્સરીના કામકાજ માટે તૈયાર કરાતા માસ્ટર રોલમાં દર્શાવાયેલી હાજરી અને સ્થળ પરની વાસ્તવિક કામગીરી વચ્ચે તફાવત હોવાની આશંકા છે. જો વન વિભાગ દ્વારા માસ્ટર રોલ, કામના રેકોર્ડ અને શ્રમિકોને ચૂકવાતા વેતનની તપાસ કરવામાં આવે તો જ સાચી હકીકત સામે આવી શકે તેમ છે.

સરકારી યોજનાઓ અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તેમજ સ્થાનિક શ્રમિકોને તેમના હક્કનું યોગ્ય વેતન અને રોજગારી મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આદિવાસી આગેવાન જયેન્દ્રભાઈ ગાવિતે લવકર રેન્જની મુલાકાત લીધા બાદ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્થાનિક આદિવાસીઓને પ્રાથમિકતાના ધોરણે રોજગારી પૂરી પાડવા અને નર્સરીની કામગીરીમાં પારદર્શિતા લાવવા ભારપૂર્વક માંગ કરી છે. હવે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે સ્થળ તપાસ કરી માસ્ટર રોલ અને હાજરીની ચકાસણી કરશે કે કેમ તે જોવું રહ્યું. સત્તાવાર તપાસ બાદ જ આ સમગ્ર આક્ષેપો પાછળનું સત્ય બહાર આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here