ધરમપુર: ધરમપુર તાલુકામાં કેટલાક રેશનકાર્ડધારક પરિવારોને રેશનકાર્ડ બંધ કરવા અંગેની નોટિસો મળતા ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોમાં ભારે ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે. આ મામલે વલસાડ જિલ્લા S.T. સેલ કોંગ્રેસના પ્રમુખ રાહુલ પટેલ દ્વારા તંત્રને યોગ્ય તપાસ કરી પાત્ર પરિવારોના હિતનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે.
સરકારી સસ્તા અનાજની યોજના પર નિર્ભર રહીને અનેક ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા સંજોગોમાં જો યોગ્ય તપાસ કર્યા વિના કે જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા વગર પાત્ર પરિવારોના રેશનકાર્ડ બંધ કરવામાં આવે, તો તેમના જીવનનિર્વાહ પર ગંભીર અસર પડી શકે છે.
રજૂઆતમાં કરાયેલી મુખ્ય માંગણીઓયોગ્ય તપાસ: ધરમપુર તાલુકામાં રેશનકાર્ડ બંધ કરવા અંગે આપવામાં આવેલી નોટિસોની યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે. સ્પષ્ટ કારણો: કયા કારણોસર નોટિસ આપવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી સંબંધિત પરિવારોને આપવામાં આવે. દસ્તાવેજોની ચકાસણી: દરેક કેસમાં જરૂરી દસ્તાવેજો અને સ્થળ પરની હકીકતોની ચકાસણી કરીને જ આખરી નિર્ણય લેવામાં આવે. લાભ ચાલુ રાખવો: જે પરિવારો ખરેખર પાત્ર છે તેમનાં રેશનકાર્ડ બંધ ન થાય અને તેમને નિયમ મુજબ સરકારી અનાજનો લાભ ચાલુ રાખવામાં આવે. ભૂલ સુધારણા: જો કોઈ પરિવારનું રેશનકાર્ડ ભૂલથી બંધ થઈ ગયું હોય, તો તેની પુનઃચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રજૂઆતની તક: અસરગ્રસ્ત પરિવારોને પોતાનો પક્ષ મૂકવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે.
રાહુલ પટેલે જણાવ્યું કે બાબત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનનિર્વાહ સાથે સીધી સંકળાયેલી હોવાથી તંત્ર માનવતાના ધોરણે અને સરકારી નિયમો અનુસાર વહેલી તકે યોગ્ય તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈ પાત્ર પરિવારોના હિતોનું રક્ષણ કરશે.











