ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના ગૌરી ગામની મંદિર ફળિયામાં રહેતી હેમાબેન અને તેજલબેન નામની પડોસી મહિલાઓ ઘાસ કાપવા ખેતરમાં ગઈ હતી ત્યાં અચાનક જ દુરથી અચાનક ઉડતું આવેલું મધમાખીઓનું ઝુંડ તેમના પર તૂટી પડ્યું હતું આથી મહિલાઓએ સમયસૂચકતા વાપરી મોઢા અને ગળાનો ભાગ ઢાંકી જીવ બચાવવા ઘર તરફ ભાગી હતી,પરંતુ આખા શરીરે અસંખ્ય ડંખ મારતા મહિલાઓની હાલત ગંભીર બની હતી અને તેઓને ખેરગામની ચિંતુબા છાંયડો હોસ્પિટલમા ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવતા બંને મહિલાઓના શરીરમાંથી 100 થી વધારે ડંખ અને માથામાંથી મરેલી મધમાખીઓ કાઢવામાં હતી.તાત્કાલિક સારવાર મળતા મહિલાઓનો જીવ બચી જવા પામ્યો હતો અને હાલમાં મહિલાઓની હાલત સ્થિર છે.
આ બાબતે હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુવાઆગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મધમાખીના હુમલાથી બચવા અને પ્રાથમિક સારવાર માટે સામાન્ય લોકોને મધમાખીઓ આસપાસ ઊડતી હોય ત્યારે હાથ-પગ પછાડવા કે દોડાદોડ કરવાથી તેઓ વધુ ઉશ્કેરાય છે. શક્ય હોય તો મોં અને આંખોને કપડાથી ઢાંકીને કોઈ બંધ રૂમ કે વાહનની અંદર ભરાઈ જાઓ.પાણીમાં ડૂબકી મારવાથી મધમાખીઓ ઉપર જ તમારી રાહ જોશે. તેમજ ખુલ્લી ઝાડીઓમાં છુપાવવાથી વધુ ડંખ વાગી શકે છે તેમજ મધમાખી કરડ્યા પછી તેનો ડંખ ત્વચામાં રહી જાય છે, જેમાંથી ઝેર નીકળતું રહે છે. તેને નખ અથવા ક્રેડિટ કાર્ડ જેવા સપાટ પદાર્થથી હળવેથી ખોતરીને કાઢી નાખો. ડંખને ચીપિયા (tweezers) થી પકડશો નહીં, કારણ કે તેનાથી વધુ ઝેર શરીરમાં ફેલાઈ શકે છે.તેમજ ડંખ વાળા ભાગને તરત જ સાબુ અને ઠંડા પાણીથી સાફ કરો જેથી ચેપ (infection) ન લાગે તેમજ સોજો અને દુખાવો ઓછો કરવા માટે પ્રભાવિત જગ્યા પર ૧૦ થી ૧૫ મિનિટ બરફનો શેક કરો અને ડંખ પર ચૂનો, માટી કે કેમિકલ લગાવવાનું ટાળો, તેનાથી એલર્જી કે ઇન્ફેક્શન વધી શકે છે એવી સલાહ આપી છે.તેમજ તેમણે વધુમાં જો કોઈ વ્યક્તિને ઘણી બધી મધમાખીઓ કરડી હોય અને શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા ગળામાં સોજો આવવો તેમજ ચક્કર આવવા, બ્લડ પ્રેશર ઘટી જવું કે બેભાન થઈ જવું તેમજ આખા શરીરે ખંજવાળ આવવી કે ચામડી લાલ થઈ જવી તેમજ ઊબકા, ઊલટી કે પેટમાં અસહ્ય દુખાવો થવો જેવા લક્ષણો આવે તો તરત જ હોસ્પિટલમા સારવાર કરાવવી જરૂરી બને છે એવું પણ જણાવ્યું હતું.
સાવચેતીના પગલાં રૂપે ખેતરમાં ઘાસ કાપતી વખતે મહિલાઓએ શરીર પૂરેપૂરું ઢંકાય તેવા (લાંબી બાયના) કપડાં અને પગમાં બૂટ પહેરવા જોઈએ.મધમાખીઓ ઘેરા (dark) રંગો તરફ વધુ આકર્ષિત થાય છે, તેથી ખેતરમાં આછા રંગના કપડાં પહેરવા હિતાવહ છે.ખેતરમાં જતા પહેલા તીવ્ર સુગંધવાળા પરફ્યુમ, તેલ કે સેન્ટ લગાવવાનું ટાળો.ઘાસ કાપતા કે વૃક્ષોની ડાળીઓ સાફ કરતા પહેલા આસપાસ કોઈ મધપૂડો છે કે નહીં તેની અગાઉથી તપાસ કરી લેવી જરૂરી છે.











