ધરમપુર: કૃષિ ક્ષેત્રે મહિલા ખેડૂતોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા, તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા અને સમાજમાં તેમની આગવી ઓળખને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ધરમપુર ખાતે ‘ઉજાસ મહિલા ખેડૂત દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

‘ઉજાસ મહિલા ખેડૂત સંગઠન’ અને ‘કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ ’2026 ની થીમ “સશક્ત મહિલાઓ, પરિવર્તનશીલ કૃષિ-ખાદ્ય પ્રણાલીઓ” ને અનુરૂપ આયોજિત કરાયો હતો. ધરમપુરની મામલતદાર કચેરી સામે આવેલા મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ મહિલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી હીરલબેન, NCNF તરફથી નિરૂપાબેન અને આદિત્યભાઈ, તાલુકા વિકાસ અધિકારી ધીરુભાઈ, આરોગ્ય વિભાગ તરફથી સવિતાબેન, નાબાર્ડ (NABARD) તરફથી સોનાલીબેન તેમજ મહિલા અને બાળ વિકાસ એકમ તરફથી જિગ્નેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ વિવિધ ગામોમાંથી આવેલી મહિલા ખેડૂતોએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો અને ગીતો રજૂ કર્યાં હતાં. કાર્યક્રમમાં ઉજાસ કમિટી દ્વારા ‘હું પણ મહિલા ખેડૂત છું’ અને ‘સંવિધાન અમારો અધિકાર’ જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષયો પર પ્રેરણાદાયી નાટકો ભજવી મહિલા ખેડૂતોની ઓળખ અને અધિકારોનો સચોટ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલાઓ માટે શ્રેષ્ઠ વાનગી સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતાઓ તેમજ સાંસ્કૃતિક રજૂઆતો કરનાર કલાકારોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here