વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોસી ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીના દુઃખદ અવસાન અને આત્મહત્યાના પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે અરેરાટી અને ચિંતાની વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટનાના સંદર્ભમાં શિક્ષકો અને આચાર્યો પર વધતા જતા ઓનલાઇન, વહીવટી અને બિનશૈક્ષણિક કામગીરીના ભારણને ઘટાડવાની મજબૂત માંગ સાથે આજે વલસાડ જિલ્લા શાસનને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડ દ્વારા માનનીય કલેક્ટરશ્રી (વલસાડ), માનનીય પ્રમુખશ્રી (જિલ્લા પંચાયત વલસાડ) અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વલસાડ)ને આ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના મુખ્ય મુદ્દાઓ: ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અસર: પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોની મુખ્ય ફરજ બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાની છે, પરંતુ વધારાના વહીવટી કામથી મૂળ શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે. બિનશૈક્ષણિક કામગીરીનો બોજ: વિવિધ ઓનલાઇન પોર્ટલ્સ પર વારંવાર ડેટા એન્ટ્રી, એક જ માહિતીનું પુનરાવર્તન તેમજ BLO સહિતની ચૂંટણીલક્ષી કામગીરીને કારણે શિક્ષકો સતત માનસિક દબાણ હેઠળ રહે છે. માનસિક સ્વાસ્થ્ય અને દબાણ: શિક્ષકો પરના અતિશય વહીવટી બોજ અને દબાણને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે, જે અંગે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે નિલોસી શાળાના આચાર્યશ્રીના દુઃખદ બનાવને ગંભીરતાથી લઈને શિક્ષકો પરના બિનશૈક્ષણિક કામના ભારણમાં તુરંત ઘટાડો કરવામાં આવે જેથી તેઓ પૂરતું ધ્યાન માત્ર બાળકોના ભવિષ્ય નિર્માણ પર આપી શકે.











