ગાંધીનગર: ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં રોજગારી અર્થે ધરમપુર, કપરાડા, ડાંગ, દાહોદ તેમજ મધ્ય પ્રદેશ જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી બાંધકામ શ્રમિક પરિવારો સ્થળાંતર કરીને આવે છે. આ શ્રમિક પરિવારો માટે સુરક્ષિત રેનબસેરા, મૂળભૂત સુવિધાઓ અને તેમના માસૂમ બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રાજ્યવ્યાપી “Tribal Migrant Labour Family Safety & Shelter Mission” શરૂ કરવા ગંભીરતાપૂર્વક માંગ કરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં રામબાગ પાસે એક બાંધકામ સ્થળે ખુલ્લી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી 9 માસની નિર્દોષ બાળકીનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ શ્રમિકોના બાળકોની સુરક્ષાનો મુદ્દો અત્યંત ગંભીર બન્યો છે. ડૉ. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાને માત્ર એક સામાન્ય અકસ્માત તરીકે ન જોતાં બાંધકામ સ્થળો પર શ્રમિકો અને તેમના બાળકો માટે રાજ્યવ્યાપી સુરક્ષા ધોરણો નક્કી કરવાની નીતિગત જરૂરિયાત છે. “જેમના પરસેવાથી આ શહેરોના રસ્તા, બ્રિજ અને મકાનો બને છે, તેમના બાળકો અસુરક્ષિત પરિસ્થિતિમાં જીવ ગુમાવે તે અત્યંત ચિંતાજનક છે.”

મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ: ડિજિટલ સર્વે અને રેનબસેરા: તમામ શહેરી વિસ્તારોમાં સ્થળાંતરિત આદિવાસી શ્રમિક પરિવારોનો ડિજિટલ/GIS આધારિત સર્વે કરી તબક્કાવાર સુરક્ષિત આશ્રય કેન્દ્રો સ્થાપવામાં આવે. મૂળભૂત સુવિધાઓ: શ્રમિક આશ્રય કેન્દ્રોમાં શુદ્ધ પીવાનું પાણી, મહિલા-પુરુષો માટે અલગ શૌચાલય-સ્નાનગૃહ, વીજળી, રસોઈ, રાત્રિ સુરક્ષા, આરોગ્ય સહાય અને બાળકો માટે સુરક્ષિત રમવાની જગ્યા ઉપલબ્ધ કરાવવી. ચાઇલ્ડ સેફ્ટી પ્રોટોકોલ (Child Safety Protocol): બાંધકામ સ્થળો પર ખુલ્લી પાણીની ટાંકીઓ, ખાડા અને કૂવા ફરજિયાત ઢાંકવા કે બેરિકેડ કરવા, ખુલ્લા વીજ જોડાણોથી બાળકોને દૂર રાખવા અને ચેતવણી બોર્ડ લગાવવા. સેફ્ટી ઇન્સ્પેક્શન ડ્રાઇવ: સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી “Construction Site Safety Inspection Drive” શરૂ કરી જોખમી સ્થળો સામે કડક સુધારાત્મક પગલાં લેવામાં આવે. હેલ્પ ડેસ્ક અને સંકલન: શ્રમ, આદિજાતિ વિકાસ અને સ્થાનિક તંત્રના સંકલનથી શ્રમિકોને રેશન, શિક્ષણ અને યોજનાઓનો લાભ મળે તે માટે દરેક જિલ્લામાં “Migrant Worker Help Desk” શરૂ કરવામાં આવે.

ડૉ. નિરવ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના કામદારો દરેક શહેરના પાયાના પથ્થરો છે. ગરીબો પોતાના હક માટે બોલી શકતા નથી, તેથી સરકારે મૂકપ્રેક્ષક બનીને જોવું એ રાજનીતિના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here