ધરમપુર: ધરમપુર તાલુકાના સીદુમ્બર ગામે શિર પડતર જમીનના પ્રશ્નો અને ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે ગઈકાલે ન્યાયસભા યોજાયા બાદ, ગતરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની હાકલ પર મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો ધરમપુર મામલતદાર કચેરી ખાતે લોકસુનાવણી માટે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસો સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરી વાંધા અરજીઓ રજૂ કરી હતી અને તમામ નોટિસો દફતરે કરવાની કડક માંગ કરી હતી.
આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો છેલ્લી ત્રણ પેઢીથી શિર પડતર જમીન પર નાગલી, અડદ અને અન્ય પરંપરાગત પાકો લઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વહીવટી તંત્ર દ્વારા કથિત રીતે કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં સામાજિક આગેવાન રાહુલ પટેલ, નડગંધરીના સરપંચ દિનેશ ભોયા, આવધાના સરપંચ સુરેશ ભાઈ, સીદુમ્બરના માજી સરપંચ હિતેશ ભાઈ તેમજ બોપીના માજી સરપંચ નવસુ ભાઈ સહિતના સ્થાનિક આગેવાનો ખેડૂતોના સમર્થનમાં મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક આગેવાનોના ધરમપુર ધારાસભ્ય પર આકરા પ્રહાર
કોંગ્રેસના યુવાનેતા રાહુલ પટેલ: “ધરમપુરના ધારાસભ્ય આદિવાસી ખેડૂતોને અભણ અને મૂર્ખ સમજે છે. તેમને ખેડૂતોની કે તેમની સમસ્યાઓની કોઈ પરવા નથી. પોતાના 10 વર્ષના શાસનગાળામાં તેમણે કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી.” અરવિંદ પટેલ બેજવાબદાર ધારાસભ્ય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
કલ્પેશ પટેલ (સ્થાનિક આગેવાન): “આપણા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ ‘પાણી નીકળી ગયા પછી પાળ બાંધવા’ની નીતિમાં માને છે. જ્યારે સમસ્યા પૂરી થઈ જાય ત્યારે ‘આ મેં કરાવ્યું છે’ તેમ કહી માત્ર યશ લેવા આવી પહોંચે છે.”











