વાંસદા-ધરમપુર: વાંસદા તાલુકાના મોળા આંબા અને ધરમપુર તાલુકાના બોપી ગામ વચ્ચે માન નદી પર આવેલા લો-લેવલ કોઝવેના સ્થાને ઊંચો બ્રિજ બનાવવાની માંગણીએ હવે જોર પકડ્યું છે. સ્થાનિક ગ્રામજનોની રજૂઆતને પગલે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલ તેમજ તેમની ટીમે સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૫-૩૦ વર્ષથી અનેક રાજનેતાઓએ પુલ બનાવવાના નામે ખાતમુહૂર્ત કરી માત્ર નારિયેળ ફોડવાના નાટકો કર્યા છે. ચૂંટણી સમયે વોટ મેળવ્યા બાદ નેતાઓ ગ્રામજનોને અવગણી રહ્યા છે. મુખ્ય સમસ્યાઓ અને ગ્રામજનોનો આક્રોશ: ચોમાસા દરમિયાન કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને ૨૮ થી ૩૦ કિલોમીટરનો વધારાનો ચકરાવો મારવો પડે છે. દર વર્ષે નદીના પાણીના પ્રવાહમાં કોઈને કોઈ દુર્ઘટના સર્જાય છે. તાજેતરમાં જ એક ઇનોવા ગાડી નદીમાં ખાબકવાની ગંભીર ઘટના બની હતી. આ બ્રિજ ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગ વિસ્તારના હજારો આદિવાસી લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ડો. નિરવ પટેલનું નિવેદન અને ચેતવણી સ્થળ મુલાકાત બાદ ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, “આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી સમાજને મૂળભૂત સુવિધાઓ માટે ભટકવું પડે તે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. જો સરકાર અને પ્રશાસન વહેલી તકે આંગણે ઊંચો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ નહીં કરે, તો ગ્રામજનો અને આદિવાસી સમાજને સાથે રાખીને ટૂંક સમયમાં ઉગ્ર ‘રસ્તારોકો’ જનઆંદોલન કરવામાં આવશે.”











