વલસાડ: આવતા વર્ષે યોજાનારી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાની પ્રદેશ નેતૃત્વ પાસે માંગ ઉઠી રહી છે. સ્થળ પરથી મળતા અહેવાલો મુજબ, ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો મેળવવા અને ‘જેન-ઝી’ (Gen-Z) મતદારોના વધતા પ્રભાવને પહોંચી વળવા માટે કોંગ્રેસે હવે જૂના અનુભવી ચહેરાઓને બદલે સક્રિય યુવાન નેતાઓને આગળ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે.
વર્ષોથી સંગઠનમાં પદ ભોગવતા હોવા છતાં નિષ્ક્રિય રહેલા જિલ્લા અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોને દૂર કરી, ગ્રાઉન્ડ પર સતત કાર્યરત અને લોકસંપર્ક ધરાવતા યુવા કાર્યકરોને સ્થાન આપવા માંગ થઈ રહી છે. 2027 ની ચૂંટણી માટે અત્યારથી જ બેઠકવાર રણનીતિ નક્કી કરી સંભવિત ઉમેદવારોને પૂરતો સમય આપવો જરૂરી છે, જેથી તેઓ ગ્રાઉન્ડ લેવલ પર મતદારો સાથે સીધો સંપર્ક સાધી શકે.
પક્ષની ચૂંટણી તૈયારીઓને ધાર આપવા માટે આ વખતે જાણીતા ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનુગોલુને ગુજરાત ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ વખતે વલસાડ કોંગ્રેસમાં પણ ઘરડા અને લગ્નના ઘોડાઓને છોડી રેસના ઘોડા પર દાવ રમવામાં આવે તો કોંગ્રેસ 2027 ની વિધાનસભામાં પરિણામો બદલાશે એમાં બે મત નથી.











