માંડવી: સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પહોંચે તો જ સાચા અર્થમાં સર્વોદય થાય આ વિચારને ચરિતાર્થ કરવાનો ભગીરથ પ્રયાસ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ દઢવાડા ગામે થઈ રહ્યો છે. જંગલ અને ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલા આ મુશ્કેલ ભૌગોલિક ગામમાં ‘માં શક્તિ પાવનધામ સેવા ટ્રસ્ટ’ દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરી આદિવાસી પરિવારોના જીવનમાં નવો ઉજાસ પથરાઈ રહ્યો છે.
માંડવી તાલુકા મથકથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા દઢવાડા ગામમાં પાયાની સુવિધાઓ અને કાચા રસ્તાઓની મુશ્કેલી વચ્ચે આ સેવાયાત્રાની શરૂઆત સામાજિક કાર્યકર રાજેશભાઈ ચૌધરીએ કરી હતી. માતા-પિતા પાસેથી સેવાની પ્રેરણા મેળવનાર રાજેશભાઈએ પોતાના સ્નાતકના અભ્યાસ સમયથી જ શાળા છોડી દેતાં આદિવાસી બાળકોને પુનઃ શિક્ષણ તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેમના આ કાર્યની નોંધ વર્ષ 2017માં બી.આર.સી. ભવન દ્વારા પણ લેવામાં આવી હતી. ત્યારબાદ ગઢડાથી એમ.એસ.ડબલ્યુ.નો અભ્યાસ કરી ‘લવ ઇન્ડિયા ફેલોશિપ’, ‘ગ્રામશ્રી’ અને અમદાવાદના સુઘડ સ્થિત ‘પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન’ જેવી સંસ્થાઓ સાથે જોડાઈને તેમણે ગ્રામવિકાસ અને સ્વચ્છતાનો ઊંડો અનુભવ મેળવ્યો. આ અનુભવોના ભાથા સાથે તેમણે ‘માં શક્તિ પાવનધામ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી, જેમાં તેમને પત્ની પ્રિયંકાબેન અને માર્ગદર્શક મનહરભાઈ નાગજીભાઈ ચૌધરીનો નિરંતર સાથ સાંપડ્યો.
સંસ્થા દ્વારા ખાસ કરીને આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે અર્થે પ્રાથમિક તબક્કે કાચા મકાનમાં વાંચન પ્રવૃત્તિઓથી આ શુભકાર્યની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ દાતાઓના સહયોગથી ‘બજરંગ કુમાર છાત્રાલય’ની સ્થાપના કરવામાં આવી. હાલમાં આ છાત્રાલયમાં માંડવી ઉપરાંત વ્યારા, ઉમરપાડા, સાગબારા, સેલંબા, માંગરોળ અને અરેઠ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા જરૂરિયાતમંદ પરિવારોના આશરે 40 જેટલા બાળકોને નિઃશુલ્ક રહેવા, જમવા અને અભ્યાસની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામીણ સુધારણા ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવે કામગીરી કરીને દઢવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આદિવાસી સમુદાયને સમાજની મુખ્યધારામાં લાવવા માટે સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.











