દક્ષિણ ગુજરાત: અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ નિમિત્તે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વર્ષો જૂની લોકપરંપરાઓ આજે પણ પૂરતા ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં દિવાસાની ઉજવણીની વિવિધ રીતો જોવા મળે છે. વલસાડના ધરમપુરમાં નાળિયેર ફોડવાની પરંપરા છે, નવસારીમાં ‘ઢીંગલાબાપા’ની યાત્રા યોજાય છે, જ્યારે તાપી, સુરત, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં દેવપૂજા સાથે આ પર્વ મનાવવામાં આવે છે.

દિવાસાના દિવસે ઢીંગલા-ઢીંગલીના પ્રતિકાત્મક લગ્ન કરાવવાની પરંપરા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે જોવા મળી હતી. અહીં કુંવારિકાઓ અને મહિલાઓએ કાપડ, ઘાસ કે લાકડામાંથી ઢીંગલા-ઢીંગલી બનાવી, તેમને વર-કન્યા તરીકે સજાવ્યા હતા. નવાં વસ્ત્રો, કંકુ અને હળદરથી સજ્જ કર્યા બાદ ઢોલ-નગારાં તથા પરંપરાગત વાજિંત્રોના તાલે તેમનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગ્રામજનો લોકગીતો અને નૃત્ય સાથે આ ઉત્સવમાં લીન બન્યા હતા.

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઢીંગલા-ઢીંગલીને નાની હોડી કે તરાપામાં બેસાડી નદી, તળાવ અથવા જળાશયમાં પધરાવવામાં આવ્યા હતા. લોકમાન્યતા મુજબ આ વિધિ કરવાથી ગામ અને પરિવાર પર આવેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. આ પરંપરા પાછળ એક ગૂઢ જીવનદર્શન પણ છુપાયેલું છે. જેમ ઉત્સવ પૂરો થતાં ઢીંગલા-ઢીંગલીનો ખેલ સમેટાઈ જાય છે, તેમ માનવજીવન પણ ક્ષણભંગુર છે. સુખ-દુઃખ અને સંબંધોથી ભરેલા આ સંસારના અંતે જીવનું પરમાત્મામાં વિલીન થવું એ જ આ સૃષ્ટિનું અંતિમ સત્ય છે.

લગ્ન અને વિસર્જનની વિધિ પૂર્ણ થયા પછી સમગ્ર ગ્રામજનોએ એકત્ર થઈને ઢોકળાં, પાતરાં, શીરો અને ભજીયાં જેવી પરંપરાગત વાનગીઓ બનાવી સામૂહિક ભોજન લીધું હતું. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાના અનેક ગ્રામીણ ભાગોમાં આજે પણ જીવંત આ લોકપરંપરા આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, એકતા અને પ્રકૃતિ સાથેના તેમના ગાઢ સંબંધની ઝાંખી કરાવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here