ધરમપુર: હાલમાં જ વરસાદી માહોલમાં ધરમપુર તાલુકાના શેરીમાળ અને કાગંવી ગામને જોડતો ચેકડેમ કમ કોઝવે ભારે વરસાદ અને માન નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ભારે નુકસાન થયું છે. પૂરના જોરદાર પ્રવાહમાં કોઝવેની બંને તરફની રેલિંગ તૂટી ગઈ છે અને રસ્તામાં અનેક સ્થળે મોટા ખાડા પડી ગયા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સ્થાનિક વાહનચાલકોને ખાસ કરીને રાત્રિના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ માર્ગનો ઉપયોગ શેરીમાળ, કાગંવી સહિત આસપાસના અનેક ગામોના લોકો કરે છે. હાલમાં જર્જરિત સ્થિતિને કારણે અકસ્માતનો ભય વધી ગયો છે.
લોકો શું કહે છે: સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં તાત્કાલિક મરામત અને નવી મજબૂત સુરક્ષા રેલિંગ ઉભી કરવાની માંગ કરી છે. તંત્ર શું કહે છે: માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં રેલિંગ ધોવાઈ ગઈ છે. સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ તેમજ નવી સુરક્ષા રેલિંગ ઉભી કરવામાં આવશે. લોકો હવે વહેલી તકે કામ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે જેથી કોઈ મોટી અકસ્માત ન થાય.











