તાપી: સખત પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નોના બળે હિના ગામીતે ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતીમાં રાજ્યભરમાં 10મો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તેમની પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થતાં પરિવારજનો, મિત્રો તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ હિના ગામીતની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ શાંતિનિકેતન પુસ્તકાલય માટે પણ ગૌરવની ક્ષણ બની છે. પુસ્તકાલય સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, નિયમિત અભ્યાસ અને અડગ મહેનતથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
હિના ગામીતને વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષકો, પુસ્તકાલયના સંચાલકો તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. તેમની આ ઉપલબ્ધિ અન્ય યુવાનોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











