પ્રતિકાતમ્ક ફોટોગ્રાફ્સ

અનાવલ: અનાવલ કેરી અને શાકભાજી માર્કેટમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ખુલ્લી હરાજી (ઓપન ઓક્શન) નહીં કરવા અને ખેડૂતોના આર્થિક શોષણના મુદ્દે સ્થાનિક યુવા લીડર તેમજ ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે APMC ડાયરેક્ટરને વિગતવાર રજૂઆત કરી છે.

અનાવલ માર્કેટમાં આસપાસના ૨૫થી વધુ ગામોના ગરીબ ખેડૂતો svતાની મહેનતથી ઉગાડેલી કેરી અને અન્ય શાકભાજી વેચવા આવે છે. ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ્સ એક્ટ (APMC Act) હેઠળ ખેડૂતોના માલની જાહેરમાં ખુલ્લી હરાજી કરવી ફરજિયાત છે, જેથી ખેડૂતોને સ્પર્ધાત્મક અને યોગ્ય ભાવ મળી શકે. પરંતુ અનાવલ માર્કેટમાં વહીવટકર્તાઓ અને સ્થાનિક વેપારીઓની મિલીભગતને કારણે કોઈ સત્તાવાર ખુલ્લી હરાજી થતી નથી. વેપારીઓ અંદરોઅંદર સાંઠગાંઠ કરીને મનસ્વી રીતે અત્યંત નીચા ભાવ નક્કી કરે છે અને ખેડૂતોને તે જ ભાવે માલ વેચવા મજબૂર કરવામાં આવે છે. જો કોઈ ખેડૂત વિરોધ કરે તો તેનો માલ ખરીદવાની ના પાડી દેવામાં આવે છે. આ કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જ્યારે વચેટિયાઓ અને દલાલો મોટી કમાણી કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સુધારો નહીં થતાં ખેડૂતોએ ડો. નિરવ ભુલાભાઈ પટેલને આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી હતી.

તેમણે APMC ડાયરેક્ટર સમક્ષ આ મામલો રજૂ કરીને ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે:
1. અનાવલ માર્કેટમાં તાત્કાલિક અસરથી સરકારી નિયમો મુજબ પારદર્શક ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવે.
2. હરાજી પ્રક્રિયાની દેખરેખ માટે APMC કચેરી અથવા જિલ્લા કચેરીમાંથી સરકારી ઇન્સ્પેક્ટર/અધિકારીની નિયુક્તિ કરવામાં આવે.
3. ખેડૂતોના શોષણમાં સામેલ માર્કેટ વહીવટકર્તાઓ અને ગેરકાયદેસર ભાવ બાંધતા વેપારીઓ સામે કાયદેસર તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

ડો. નિરવ પટેલે જણાવ્યું કે ખેડૂતોની આવક અને જીવનસ્તર સુધારવા માટે આવા અન્યાયને તાત્કાલિક અટકાવવા જરૂરી છે. આ બાબતે APMC ડાયરેક્ટર તરફથી શી પગલાં લેવામાં આવે છે તેના પર ખેડૂતો અને સ્થાનિકોની નજર ટકેલી છે.