વાંસદા: પ્રાદેશિક હોમગાર્ડ્સ તાલીમ કેન્દ્ર, માધવનગર ખાતે યોજાયેલ મહિલા બેઝિક તાલીમ કેમ્પમાં વાંસદા હોમગાર્ડ્સ યુનિટની આદિવાસી યુવતી સારા ગાયનએ શાનદાર પ્રદર્શન કરતાં રાજ્યસ્તરે દ્વિતીય સ્થાન હાંસલ કરીને નવસારી જિલ્લા તેમજ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ તાલીમ કેમ્પમાં રાજ્યના 29 જિલ્લાઓમાંથી 120 જેટલી હોમગાર્ડ્સ યુવતીઓએ ભાગ લીધો હતો. આમાં સારા ગાયને પોતાની મહેનત, અનુશાસન અને કુશળતાથી સર્વોચ્ચ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિ અંગે નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખશ્રી અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ ડો. નિરવ ભુલાભાઈ પટેલએ સારા ગાયનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
તેમણે જણાવ્યું કે આવી સિદ્ધિ આદિવાસી યુવતીઓ માટે પ્રેરણાદાયી છે અને તે સમાજમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ વધારશે. સારા ગાયન આદિવાસી સમાજની પ્રતિભાશાળી યુવતી છે. તેની આ સફળતા ગુજરાતની આદિવાસી યુવતીઓને હોમગાર્ડ્સ જેવા ક્ષેત્રમાં આગળ આવવા માટે પ્રોત્સાહિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











