સુરત: ગતરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સફળ જટિલ સર્જરી કરી મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 2 થી 3 લાખના ખર્ચે થતી આ સર્જરી નવી સિવિલ ખાતે નિ:શુલ્ક મેળવતા દર્દી અને પરિવારને મોટી આર્થિક રાહત થઈ છે.
સુરતના ડીંડોલીમાં રહેતા 48 વર્ષીય સીમા સિંગને સ્ત્રી રોગની સારવારના ભાગરૂપે ગર્ભાશય દૂર કરવાની કોમ્પ્લેક્સ શસ્ત્રક્રિયા દરમિયાન પેશાબની નળીને ઈજા પહોંચતા નવી સિવિલના તબીબોએ ‘બોઆરી ફ્લેપ’ (Boari Flap) નામની અત્યંત આધુનિક સર્જરી કરીને દર્દીને નવજીવન આપ્યું હતું. જેમાં પેશાબની થેલીના જ એક ભાગમાંથી નવો રસ્તો બનાવીને કિડનીમાંથી આવતા પેશાબનો પ્રવાહ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
નવી સિવિલના ઇ.તબીબી અધિક્ષક ડૉ.પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના વડા ડૉ.નિમેશ વર્મા, યુનિટ હેડ અને સહાયક પ્રાદ્યાપક ડૉ.સંદીપ કંસલ અને મદદનીશ પ્રાદ્યાપક ડૉ. તેજસ પટેલ તેમજ સિનીયર રેસિડન્ટ ડૉ.ગૌતમ ભારડા અને ડૉ.શ્યામ ધ્રાંગુ તેમજ જુનિયર રેસિ. ડૉ.વિભોર ગુપ્તા દ્વારા મહિલા દર્દીની સારવારના ભાગરૂપે ‘બોઆરી ફ્લેપ’ એટેલે કે પેશાબની થેલીના ઉપરના ભાગમાંથી માંસપેશીનો એક નાનો ટુકડૉ (ફ્લેપ) પટ્ટીની જેમ કાપી, તેને વાળી એક નળી જેવો આકાર આપી, નવી બનાવેલી નળીને કુદરતી નળી સાથે જોડીને સફળ સર્જરી કરવામાં આવી હતી.
ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 3 લાખ સુધીના ખર્ચે થતી આ સર્જરી નવી સિવિલ ખાતે નિ:શુલ્ક મેળવતા અને આર્થિક રીતે અસમર્થ પરિવારમાંથી આવતા દર્દી સીમાબેને સરકારી તબીબી સેવાઓને આશીર્વાદરૂપ ગણાવી હતી. તેમજ જટિલ સર્જરી બાદ પોતાને નવજીવન આપવા માટે નવી સિવિલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.











