છોટાઉદેપુર: આદિવાસી સમાજની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ‘પાણગું’ વિધિનું આયોજન ટૂંડવા ગામમાં ગઈકાલે કરવામાં આવ્યું હતું. આ વિધિ આદિવાસી સમાજની ઓળખનું મહત્વનું અંગ છે, જેમાં પૂર્વજોની સ્મૃતિ અને પ્રકૃતિના તત્વોની પૂજા, આભારવિધિ અને સ્તુતિ કરવામાં આવે છે.
‘પાણગું’ વિધિમાં પૂજન, પરંપરાગત નૃત્ય, ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. વિધિના બીજા દિવસે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન અર્જુન રાઠવા સ્થાનિક સરપંચ શ્રી ઉમેશ રાઠવા અને પ્રમુખ સંચાલક તરીકે બડવા સુરસિંગભાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. બડવા સુરસિંગભાઈએ આ સમગ્ર પાણગું વિધિનું સંચાલન કર્યું હતું.
પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, આવી વિધિઓ આદિવાસી સમાજને તેના મૂળ, કુળ અને પ્રકૃતિ સાથેના તાલમેલને જાળવી રાખવામાં મદદ કરે છે. આ પ્રસંગે ઘણા યુવાનોને પણ પોતાની સાંસ્કૃતિક વારસાને સમજવાનો અને અનુભવવાનો સારો અવસર મળ્યો. આદિવાસી સમાજમાં ‘પાણગું’ જેવી વિધિઓ આજે પણ સજીવ અને મજબૂત છે, જે સમાજની આસ્થા અને સંસ્કૃતિને પેઢી દર પેઢી આગળ વધારે છે.











