રાજનીતિ: All India Trinamool Congress – TMC પાર્ટીની સ્થાપક નેતા અને પશ્ચિમ બંગાળની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે 20 મે 2011થી આજ સુધી સતત કાર્યરત મમતા બેનર્જી આજે ખુરશી હારી ગયાં છે. ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હારની ચર્ચા દેશમાં ભાજપની જીત કરતાં વધુ થઇ રહી છે.
વર્ષ 1975માં દેશભરમાં જય પ્રકાશ નારાયણ – જેપીનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને નિશાન પર હતા ઈન્દિરા ગાંધી. કોંગ્રેસનો ઠેરઠેર વિરોધ છતાં દેશભરમાં ફરી રહેલ જેપીનો કાફલો જ્યારે કોલકાતા પહોંચ્યો ત્યારે એક 22 વર્ષની કોંગ્રેસની યુવા કાર્યકર્તા યુવતી વિરોધ સ્વરૂપે અચાનક તેમની કાર રોકાવી બોનેટ પર ચડી અને ગાડીની સામે જઈને રસ્તા પર સૂઈ ગઈ. આ માત્ર વિરોધ નહોતો પરંતુ એ એક એવા રાજકીય હસ્તીઓ ઉદય હતો, જે ટકરાવથી ક્યારેય પાછળ હટી નહી.એ યુવતી એટલે આજના મમતા બેનર્જી
મમતા બેનર્જી માટે 1984ની લોકસભા ચૂંટણી તેમના રાજકીય કારકિર્દીનો પહેલો મોટો વિસ્ફોટ સાબિત થઈ.એ વખતે કોંગ્રેસની ટિકીટ પર જાદવપુર બેઠક પરથી માત્ર 30 વર્ષની ઉંમરે તેમણે સોમનાથ ચેટર્જી જેવા દિગ્ગજ વામપંથી નેતાને હરાવી ઈતિહાસ રચ્યો.આ જીત માત્ર એક બેઠકની જીત નહોતી પરંતુ બંગાળની રાજનીતિમાં બદલાવની શરૂઆતનો સંકેત હતી.
ત્યારબાદ 1998માં તેમણે પોતાની પાર્ટી All India Trinamool Congressની સ્થાપના કરી.આ પગલું તેમને કોંગ્રેસની છાયામાંથી બહાર લાવી સ્વતંત્ર રાજકીય ઓળખ આપનાર બન્યું. અહીંથી મમતા બેનર્જીની રાજનીતિએ ગતિ પકડી અને 2011 સુધીમાં તે એક રાજકીય સુનામીમાં ફેરવાઈ ગઈ.34 વર્ષ જૂના વામ મોરચાના શાસનને ખતમ કરીને 20 મે 2011ના રોજ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આજસુધી સત્તા પર અડીખમ રહ્યા.
રસ્તાઓ પર સંઘર્ષ કરનાર એ વિદ્યાર્થી નેતા જેણે એ વખતે ઈન્દિરા ગાંધી સામે પડેલા જય પ્રકાશ નારાયણના કાફલા સામે વિરોધ નોંધાવ્યો હતો એ આખરે સત્તાના શિખર સુધી પહોંચી ગઈ.આ માત્ર એક નેતાની કહાની નથી પરંતુ એ જિદ્દ,ટકરાવ અને રાજકીય સાહસની કહાની છે.જેણે બંગાળની રાજનીતિની દિશા જ બદલી નાખી. આજે એ જ મમતા બેનર્જી પાસેથી સત્તા ભાજપે ખેંચી લીધી છે. પરંતુ હિંમતવાન અને મજબૂત મનોબળ ધરાવતા મમતા બેનર્જી આ દેશના મજબૂત મહિલા નેતાઓની હરોળમાં સ્થાન મેળવી લીધું છે.











