તાપી: ગતરોજ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન.દેસાઇ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ અંતર્ગત તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કોર્ડને ૨૫ વર્ષ જૂના ડબલ મર્ડર અને લૂંટના કેસમાં મોટી સફળતા મળી છે.
શું હતો સમગ્ર બનાવ ?
માર્ચ 2000 માં વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં એક ભયાનક લૂંટ અને ડબલ મર્ડરની ઘટના બની હતી. આરોપીઓએ કાવતરું રચીને યાર્ન ભરેલી ટ્રક (નંબર MH-04-P-3476) માં કીમ ચાર રસ્તાથી મુસાફર તરીકે બેઠા હતા. વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી, ડ્રાઈવર પરસરામ દત્તરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી હત્યા કરી હતી. આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવતા ક્લીનરના માથા પર ટ્રકનું વ્હીલ ફેરવી દીધું હતું. ત્યારબાદ આશરે રૂ. 7,00,000/- ની કિંમતનું યાર્ન લૂંટી ટ્રકને વ્યારા નજીક બિનવારસી હાલતમાં છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે વાલોડ પોલીસ મથકે ગુ.ર.નં. 16/2000 મુજબ ગુનો નોંધાયો હતો.
25વર્ષ બાદ કેવી રીતે પકડાયો આરોપી ?
આ ગુનામાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંનો એક આરોપી શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પરંતુ ગીરીશ ઉર્ફે લલ્લુ મિશ્રા પોલીસને હાથ તાળી આપી છેલ્લા 25 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે વાળ અને દાઢી વધારી વેશ પલટો કરી રહેતો હતો. પકડાઇ જવાની બીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતો હતો. તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સ.ઇ.એન.એસ.વસાવા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માહિતીના આધારે ચોક્કસ બાતમી મેળવી હતી. એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઈ સ્ટીવનસનની બાતમીના આધારે ગૌરીશચંદ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા (ઉ.વ. 50) ને તેના વતન હરનાહપુર, જી. પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરી LCB પી.આઈ. ડી.એસ. ગોહીલ, પેરોલ ફર્લો સ્કોર્ડ પી.આઈ. જે.બી. આહિર, પો.સ.ઇ. એન.એસ. વસાવા, પો.સ.ઇ. કે.આર. પટેલ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે વાલોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.











