વલસાડ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી ઘડાયેલા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશ સહમંત્રી હર્ષિતભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોર્ચાના “ખેલો ભારત (રમતગમત)” સેલના પ્રદેશ સહ-કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વલસાડ જિલ્લાના ઊંટડી ગામના યુવા કાર્યકર હર્ષિત દેસાઈ વિદ્યાર્થી જીવનથી જ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. તેમણે લગભગ 13 વર્ષ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ જવાબદારીઓ સંભાળીને સંગઠનને મજબૂત બનાવ્યું છે. સામાન્ય કુટુંબમાંથી આવતા હર્ષિતભાઈએ દેશસેવાની ભાવનાથી પોતાનું ઘર છોડી 2.5 વર્ષ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પૂર્ણકાલીન કાર્યકર તરીકે સેવા આપી હતી.

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થી સંગઠનને વિસ્તારવા અને વિદ્યાર્થી ચૂંટણીઓમાં સફળતા મેળવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. વર્ષ 2022માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડમાં ઝોન સંયોજક તરીકે તેમણે વલસાડ, નવસારી, ભરુચ અને સુરત જિલ્લામાં રમતોત્સવ, સેવાકીય પ્રવૃત્તિઓ અને યુવા જોડાણના અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું હતું. વર્ષ 2023માં G20 અંતર્ગત Y-20 કાર્યક્રમોમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમને સન્માનિત પણ કર્યા હતા. આ નિમણૂકને યુવા મોર્ચાના નેતૃત્વ દ્વારા હર્ષિતભાઈની સંગઠનાત્મક ક્ષમતા, રમતગમત ક્ષેત્રે યુવાનોને જોડવાની ક્ષમતા અને અવિરત કાર્યશૈલીની સ્વીકૃતિ તરીકે જોવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here