ઊના કાંડ: ઊના કાંડની શરમજનક ઘટનાના પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. આ કેસમાં વેરાવળની ખાસ અદાલતના ન્યાયાધીશ જે.જે. પંડ્યાએ, 10 વર્ષ પછી 17 માર્ચ 2026ના રોજ ચૂકાદો આપ્યો છે. 5 આરોપીઓ-રમેશ જાધવ, રાકેશ જોશી, નાગજી વાણિયા, પ્રમોદગીરી ગોસ્વામી અને બલવતગીરી ગોસ્વામીને 5 વર્ષની કેદ અને રુપિયા 5,000/-નાં દંડની સજા થઈ છે અને 35 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા છે.
ઘટના શું હતી? 11 જુલાઈ 2016 ના રોજ, ચાર દલિત યુવાનો- બાલુ સરવૈયા, તેમના પુત્રો વશરામ અને રમેશ, અને પિતરાઈ ભાઈ અશોક ગીર-સોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળા ગામમાં એક મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે તેમના પર સ્વ-ઘોષિત ગૌરક્ષકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, પછી તેમને ટોપલેસ કરી, કારની પાછળ બાંધીને ઊના ટાઉનમાં મારઝૂડ કરતા પરેડ કરાવવામાં આવી હતી. આ પરેડ પોલીસ સ્ટેશન સામે પણ થઈ હતી. આ હુમલાનો વીડિયો વાયરલ થયો, જેના કારણે ગુજરાત અને ભારતમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા.
5 આરોપીઓને માત્ર 5 વર્ષની જ સજા કેમ થઈ? આરોપીઓને જે કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા તેમાં SC/ST Actની કલમ 3(1)(ડી), 3(1)(ઈ) વગેરે હેઠળ મહત્તમ સજા 5 વર્ષની જેલ જ છે (અને ₹5,000 દંડ). IPC કલમ-323, 324, 342, 504 હેઠળ પણ 1થી 3 વર્ષની જેલ છે, પણ તે concurrent (એકસાથે ગણાય) છે. તેથી સજા કુલ મહત્તમ 5 વર્ષ જ થઈ શકે. IPC કલમ-307 હેઠળ 10 વર્ષ/ આજીવન કેદની સજા થાય પરંતુ કોર્ટે આ કલમ રદ કરી!
થોડા મુદ્દાઓ:
[1] પીડિત વશરામ સરવૈયાએ કહ્યું છે કે ‘ખોખલો ન્યાય’ થયો. 35 આરોપીઓ છૂટી ગયા! વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ચુકાદો નિરાશાજનક લાગ્યો છે. શું આ ચુકાદો ખોખલો છે? આરોપીઓને IPC કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 324 (હથિયારોનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડવી), 342 (ખોટી રીતે બંધક બનાવવી), 504 (ઇરાદાપૂર્વક અપમાન) અને SC/ST કાયદાની કલમ 3(1), (d), 3(1)(e)(r), (s), (u) હેઠળ સજા થઈ છે. પરંતુ રાયોટિંગ/ હત્યાનો પ્રયાસ/ ગુનાહિત કાવતરું/ મહિલા પર હુમલો/ પોલીસની સામેલગીરી એવા આરોપ કોર્ટે સાબિત માન્યા નથી.
ખાસ તો સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા/ સંડોવણી કોર્ટને જણાઈ નથી તેનું આશ્ચર્ય છે. સ્થાનિક પોલીસ ઈન્સ્પેકટર પણ આરોપી હતા પરંતુ ટ્રાયલ દરમિયાન તેમનું અવસાન થયું હતું. સરકારે આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપી હતી અને કેસ ગીર સોમનાથ જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અપમાનજનક પરેડ પોલીસ સ્ટેશન સામેથી નીકળી છતાં પોલીસે તેને અટકાવેલ નહીં. પોલીસે પાછળથી સ્ટેશન ડાયરીમાં ખોટા પુરાવા ઊભા કર્યા, CID ક્રાઇમે પોલીસ ઈન્સ્પેકટર અને બીજા દોષિત પોલીસને એરેસ્ટ કરેલ. આ કેસ પોલીસની નિષ્ક્રિયતાના કારણે જ ચર્ચાસ્પદ બન્યો હતો. તેના પુરાવા જ ન મળ્યા? એટ્રોસિટી એક્ટ કલમ-8 (b) ગુનાના Presumption- ધારણા અંગે જોગવાઈ કરે છે કે “વ્યક્તિઓના જૂથે આ પ્રકરણ હેઠળ ગુનો કર્યો છે અને જો તે સાબિત થાય કે આ ગુનો જમીન અથવા અન્ય કોઈપણ બાબત અંગેના કોઈપણ હાલના વિવાદના પરિણામ હતો, તો એવું માનવામાં આવશે કે ગુનો સામાન્ય હેતુને આગળ વધારવામાં અથવા સામાન્ય ઉદ્દેશ્ય માટે કરવામાં આવ્યો હતો.” શું કોર્ટે આ બાબત ધ્યાને લીધી છે?
[2] આ ઘટનામાં, હત્યાના પ્રયાસનો આરોપ શા માટે દૂર કરવામાં આવ્યો? IPC 307 દૂર કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે “પીડિતોને ઇજાઓ થઈ હોવા છતાં, તે ગંભીર કે જીવલેણ નહોતી. કોર્ટે પીડિતોની સારવાર કરનારા વિવિધ હોસ્પિટલોના ડોકટરોના રેકોર્ડ નિવેદનો પણ લીધા હતા, જેમણે જણાવ્યું હતું કે ઇજાઓ પાઇપ અને લાકડીઓથી થઈ હતી, પરંતુ મૃત્યુ તરફ દોરી જાય તેટલી ગંભીર નહોતી. કોઈ ફ્રેક્ચર થયું ન હતું. ચારેય પીડિતોમાંથી કોઈને પણ શરીરના કોઈપણ ભાગમાં એવી ઈજાઓ નહોતી કે જેનાથી તેઓ અર્ધબેભાન થઈ શકે. પીડિતો સારવારના નામે હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા, અને આ સમયગાળા દરમિયાન, આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં હોવાથી, એવું લાગે છે કે, કાનૂની નિષ્ણાતોની સલાહથી, તેઓએ 20 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવાનો પ્રયાસ કર્યો હતો જેથી જામીન અરજીની સુનાવણી દરમિયાન તે બતાવી શકાય કે ઘાયલો સારવાર હેઠળ છે, અને સમાજમાં નોંધાયેલા વિરોધ પ્રદર્શનો, દેખાવો અને કેસોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”
એવું નથી લાગતું કે કોર્ટને પીડિતો કરતા, આરોપીઓની ચિંતા વધુ હતી? સ્પેશિયલ કોર્ટ કોની ચિંતા માટે છે: પીડિતોની કે આરોપીઓની? આમ તો આજીવન કેદની સજા કરવી જોઈએ તેવું આ શરમજનક કૃત્ય હતું. IPC કલમ-307 હેઠળ આવી સજા થઈ શકે. પરંતુ ટેકનિકલ રીતે આમાં ફેકચર ન હતું, કે છરી-તલવારથી ઈજા કરી ન હતી. એટલે કદાચ કોર્ટે કલમ-307 દૂર કરી. પરંતુ માત્ર પીડિતોના જ હૈયાં ચીરાયા ન હતા, કરોડો દલિતોના હૈયામાં ચીરા પાડનાર આ ગુનો હતો, તેનો ઈન્કાર થઈ શકશે?
[3] કોર્ટે કહ્યું કે “ગુજરાત પોલીસ એક્ટ કલમ-135 હેઠળનું જાહેરનામું (શસ્ત્ર પ્રતિબંધનું) અમલમાં હતું તે સાબિત થતું નથી”. તેથી કોર્ટે આ કલમ દૂર કરી. ફરિયાદમાં, દલિત પરિવારની એક મહિલાએ આરોપી દ્વારા ગેરવર્તણૂક અને જાતિ આધારિત દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે FIRમાં IPC કલમ 354 ઉમેરવામાં આવી હતી. જો કે, ટ્રાયલ દરમિયાન, પુરાવાના અભાવે, કોર્ટે આ કલમ દૂર કરી હતી. કોર્ટે નોંધ્યું કે “ગુનાને વધુ ગંભીર દેખાડવા માટે આવા નિવેદનો આપવામાં આવ્યા હોઈ શકે છે.” તેથી, કોર્ટે SC/ST કાયદાની કલમ 3(1)(W)(1)(2) અને IPC કલમ 354 અને 509 દૂર કરી. કોર્ટે IPC કલમ 146 અને 147 (હુલ્લડ) પણ દૂર કરી. કોર્ટે નોંધ્યું કે “શરૂઆતમાં ચાર વ્યક્તિઓ આવ્યા હતા, અને પછીથી અન્ય મોટરસાયકલ પર આવ્યા હતા. ગાયોની કતલ થઈ રહી હોવાની માહિતી ફેલાતા લોકો એકઠા થયા હતા, અને સરઘસ દરમિયાન વધુ લોકો જોડાયા હતા; તેથી, તે સાબિત કરી શકાતું નથી કે બધાનો ઇરાદો રમખાણો કરવાનો હતો. આરોપીઓનો હેતુ ગૌહત્યા કરનારાઓમાં ભય ફેલાવવાનો હોઈ શકે છે, પરંતુ તે સાબિત થઈ શક્યું નથી કે તેઓ અનેક સ્થળોએ જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના પૂર્વ-આયોજિત ઇરાદા સાથે ભેગા થયા હતા. આ આરોપ સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. તેથી, તેને કાવતરાની કલમ દૂર કરવામાં આવી. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ રાજકીય પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો, ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને ફરિયાદીને નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપીઓને ફાયદો થાય તે રીતે કાર્ય કર્યું હતું. પરંતુ તે સાબિત થઈ શક્યું નથી કે કોઈ પોલીસ કર્મચારીએ તેમની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી છે કે પોતાની ફરજ ઇરાદાપૂર્વક ટાળી હતી કે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેથી, IPC કલમ 466 અને 177 દૂર કરવામાં આવી.” કોર્ટે પોલીસ અધિકારીઓ સામે IPC કલમ 166A, 167, 177, 204, 294(b), 466 અને SC/ST કાયદાની કલમ 3(2)(6), 3(2)(7) દૂર કરી, કેમકે ફરિયાદ પક્ષ આ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો.
શું આ ગુનો ખુદ ગંભીર ન હતો? કોર્ટ કહે છે કે “ગુનાને વધુ ગંભીર દેખાડવા માટે આવા નિવેદનો આપવામાં આવ્યા હોઈ શકે છે.” કોર્ટનું આવું તારણ શું મનસ્વી નથી? IPC કલમ 466 જાહેર દસ્તાવેજોમાં બનાવટ કરવા અંગે છે અને તે માટે 7 વર્ષ સુધીની કેદ અને દંડની સજાની જોગવાઈ છે. આ ‘બનાવટી દસ્તાવેજ’નો પુરાવો પણ સાબિત ન થયો? IPC કલમ 177 ખોટી માહિતી આપવા અંગેની છે, તેનો પુરાવો ન મળ્યો? IPC કલમ 204 પુરાવાનો નાશ કરવા અંગેની છે, તેનો પુરાવો પણ ન મળ્યો? ગજબ કહેવાય!
[4] કોર્ટે ટ્રાયલમાં વિલંબ અંગેની દલીલોને પણ ફગાવી દીધી હતી કે “ફરિયાદીએ પોતે 12 ઓક્ટોબર 2023 ના રોજ પુરાવા રજૂ કર્યા હતા, અને બીજા એક સાક્ષીએ જાન્યુઆરી 2026 ના અંતમાં પુરાવા રજૂ કર્યા હતા. આમ છતાં, ફરિયાદીએ જાહેરમાં તમામ પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે વર્ષોથી ન્યાય નકારવામાં આવી રહ્યો છે, જેનાથી કોર્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
આપણી કોર્ટની માનસિકતા તો જૂઓ, તેમને ગુનાની ગંભીરતા દેખાતી નથી પણ ‘કોર્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા’ની ચિંતા છે. કોર્ટની પ્રતિષ્ઠાને ત્યારે નુકસાન પહોંચે છે જ્યારે કાયદાના, એટ્રોસિટી એક્ટના હાર્દને સમજ્યા વિના ચુકાદાઓ આપવામાં આવે! કોર્ટે એ સમજવાની જરુર હતી કે આ સામાન્ય મારઝૂડનો કેસ ન હતો, આ તો પીડિતો દલિત તરીકે જન્મ્યા હતા તેની તેમને સજા કરવામાં આવી હતી, આ મારઝૂડ કરતા જાહેર અપમાન કરીને કરોડો દલિતોનું ઈરાદાપૂર્વક અપમાન કરવાનો કેસ હતો. શું ગુજરાતમાં ક્યારેય એવું બન્યું છે કે ઉપલા વર્ણના લોકોને ટોપલેસ કરી/ ગાડી પાછળ બાંધી/ આખા ટાઉનમાં ધોકા મારતા મારતા/ અપમાનિત કરતા ફેરવ્યા હોય? સમાજના નબળા વર્ગના લોકો પર થતાં અત્યાચારો સાબિત કરવા કેટલા અઘરા છે, તેમાં પોલીસની નકારાત્મક ભૂમિકા સાબિત કરવી કેટલી અઘરી છે, તેનું ઉદાહરણ ઊનાકાંડનો આ ચુકાદો છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ કેસમાં અપીલ કરે છે કે નહીં ?
BY: રમેશ સવાણી











