ગુજરાતની ધરતી પર ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ઘટનાઓએ માથું ઉંચું કર્યું છે. એક બાજુ ભાવેશ વણવી જેવા દલિત પત્રકારની નિર્દયી હત્યા, બીજી બાજુ રાજકોટ એમ્સમાં એક દલિત ડોક્ટરની આત્મહત્યા, અને ત્રીજી બાજુ દસ વર્ષથી ન્યાયની રાહ જોતા ઉના અત્યાચાર કાંડમાં આવેલો એવો ચુકાદો જેમાં “ન્યાય” કરતાં “મજાક” વધુ દેખાય છે. આ ત્રણેય ઘટનાઓ અલગ નથી; આ એક જ સામાજિક રોગના લક્ષણો છે “જાતિવાદ, અસમાનતા અને સંસ્થાગત અંધત્વ”

આ માત્ર સમાચાર નથી. આ એક સમાજનું પ્રતિબિંબ છે જેમાં આજે પણ માણસની કીમત તેની પ્રતિભા કે માનવત્વથી નહીં, પરંતુ તેની જાતિથી નક્કી થાય છે. ભાવેશ વણવીની હત્યા માત્ર એક વ્યક્તિની હત્યા નથી, તે અવાજને દબાવવાનો પ્રયાસ છે.પછી આવે છે રાજકોટની ઘટના એક દલિત ડોક્ટર, જેને સમાજે “ડોક્ટર” તરીકે માન આપવું જોઈએ, તે જ સમાજની અંદરથી તૂટીને આત્મહત્યા કરે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એક વ્યક્તિ, જે અન્ય લોકોના જીવ બચાવે છે, તે પોતાનું જીવન સમાપ્ત કરવા કેમ મજબૂર થાય? શું માત્ર વ્યક્તિગત કારણો જવાબદાર છે, કે પછી તે સતત અનુભવાતી અણગમતી, અપમાન અને ભેદભાવની ઝેરી હવા છે જે તેને અંદરથી ખાઈ જાય છે?

અને પછી ઉના કાંડ જેણે દેશ વિદેશમાં ચર્ચા જગાડી હતી જેમાં સ્વઘોશિત ગૌ રક્ષકો દ્વારા પોલીસ પ્રશાસનની હાજરીમાં જાહેરમાં દલિત યુવાનોને માર મારવામાં આવ્યા, અને આખા દેશે તે વીડિયો જોયો. લોકો રસ્તા પર ઉતર્યા, ન્યાયની માંગ કરી. વર્ષો બાદ જ્યારે ચુકાદો આવે છે અને તેમાં બે પાંચ વર્ષની નજીવી સજા થાય છે અને “રૂપિયા 5000 જેવી માતબર રકમનો” દંડ થાય છે ત્યારે પ્રશ્ન ઉઠે છે શું આ ન્યાય છે? કે પછી આ એક સંદેશ છે કે દલિતોના દુઃખની કિંમત જ નથી.

ન્યાયમાં વિલંબ માત્ર ન્યાયને નકારતો નથી, પરંતુ તે પીડિતોને ફરીથી સજા આપે છે. વર્ષો સુધી રાહ જોવી, આશા રાખવી, અને અંતે મળતી નિરાશા આ બધું મળીને એક એવી માનસિક યાતના સર્જે છે જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. આ ત્રણેય ઘટનાઓ આપણને એક જ વાત કહે છે કે આ દેશમાં જાતિવાદ માત્ર ગામડાંઓમાં જ નથી, તે શહેરોમાં પણ છે, તે શિક્ષણ સંસ્થાઓમાં છે, તે હોસ્પિટલો અને મીડિયા હાઉસમાં પણ છે. તે આપણા દૈનિક વર્તનમાં, આપણા વિચારોમાં, અને આપણા મૌનમાં પણ છે.

હા, મૌન. સૌથી ખતરનાક બાબત. જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે, ત્યારે મોટાભાગનો સમાજ મૌન રહે છે. કેમ? શું આપણે આને સામાન્ય બનાવી દીધું છે? શું આપણે વિચારીએ છીએ કે “આ તો ચાલે છે”? આ મૌન સહભાગી છે. આ મૌન અત્યાચારને પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે બોલતા નથી, ત્યારે તમે અન્યાયની બાજુમાં ઊભા રહો છો.

આજના સમયમાં, આપણે ટેકનોલોજી, અર્થતંત્ર અને વિકાસની વાત કરીએ છીએ. આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરીએ છીએ. પરંતુ શું આપણે માનવતામાં આગળ વધી રહ્યા છીએ? જો એક બાળક આજે પણ તેની જાતિના કારણે અપમાનિત થાય છે, જો એક યુવાન તેની ઓળખના કારણે માર ખાય છે, જો એક વ્યાવસાયિક તેની કાબેલિયત હોવા છતાં ભેદભાવનો શિકાર બને છે તો પછી આ વિકાસનો અર્થ શું?

શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી, તે વિચાર બદલવા માટે છે. પરંતુ જ્યારે શિક્ષણ સંસ્થાઓમાં જ ભેદભાવ હોય, ત્યારે આપણે શું શીખી રહ્યા છીએ? જ્યારે એક ડોક્ટર, જે વિજ્ઞાનનો પ્રતિનિધિ છે, તે જાતિવાદી વ્યવહારનો ભોગ બને છે, ત્યારે તે આપણા શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતા દર્શાવે છે. મીડિયા, જે લોકશાહીની ચોથી કડી કહેવાય છે, તે પણ મોટાભાગે આવા મુદ્દાઓ પર મૌન રહે છે અથવા તેમને પૂરતું મહત્વ આપતું નથી. કેમ? શું કારણ છે કે કેટલીક ઘટનાઓને વધારે કવરેજ મળે છે અને કેટલીકને અવગણવામાં આવે છે? શું અહીં પણ જાતિનું રાજકારણ કામ કરે છે? જવાબ છે હા.

અને સૌથી મહત્વની વાત “કાયદો અને ન્યાય”. કાયદો બધાને સમાન હોવો જોઈએ. પરંતુ જ્યારે ન્યાયમાં વિલંબ થાય છે, જ્યારે સજા નબળી હોય છે, ત્યારે તે સંદેશ આપે છે કે સિસ્ટમમાં ખામીઓ છે. અને આ ખામીઓનો સૌથી વધુ ભોગ કોણ બને છે? હંમેશા હાંસિયા પર રહેલા લોકો. દલિત સમાજ માટે આ માત્ર ઘટનાઓ નથી, આ તેમની દૈનિક હકીકત છે. તેઓ માટે દરેક દિવસ એક સંઘર્ષ છે “સન્માન માટે, સુરક્ષા માટે, અને સમાનતા માટે”

જે દેશમાં વારંવાર “વસુધૈવ કુટુંબકમ”ની વાત થતી હોય અને સંપૂર્ણ વિશ્વ એક કુટુંબ છે એવો દંભ ભરાતો હોય ત્યારે પૂછવું જોઈએ કે આપણે આપણા પોતાના દેશમાં, આપણા પોતાના લોકો સાથે કુટુંબ જેવો વ્યવહાર કરીએ છીએ? ના, તો પછી છોડી દો આ દંભ અને કહો કે અમે જન્મજાત દંભી, જાતિવાદી અને માણસ માણસમાં ભેદભાવ કરવા વાળી જંગલી પ્રજા છીએ માટે અમને માણસ કહીને માણસાઈનું અપમાન ના કરશો.

BY: જોત્સના આહિર 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here