દક્ષિણ ગુજરાત: ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક તહેવાર માત્ર આનંદ અને ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનો જીવંત અંશ છે. જો મોટા અને લોકપ્રિય તહેવારોની વાત કરીએ તો હોળી અને દિવાળી વિશેષ સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હોળી માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ અઠવાડિયાઓ સુધી ચાલતો આધ્યાત્મિક અને સામૂહિક ઉત્સવ છે.

હોળીની શરૂઆત ક્યારે થાય છે..
આદિવાસી વિસ્તારમાં હોળીનો આરંભ ફાગણ સુદ એકમથી માનવામાં આવે છે. મહાશિવરાત્રીના પાવન પર્વ બાદ જ ગામોમાં હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મહાશિવરાત્રી પછી આદિવાસી સમાજમાં સૌથી મહત્વપૂર્ણ વિધિ છે ગિંબદેવ પુંજવાની પરંપરા.

ગિંબદેવ પુંજવાની પરંપરા..
સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ગામમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિષ્ટ બાધા ન આવે તે માટે ગામના પુજારી અને વડીલો નિશ્ચિત સ્થળે જઈ ગિંબદેવની પૂજા કરે છે. આ પૂજામાં નીચેની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે: શ્રીફળ અનાજ મરઘી મહુડાનો દારૂ. ગિંબદેવના દિવસે લગભગ દરેક ઘરમાં માંડા (પરંપરાગત આદિવાસી વાનગી) બનાવવામાં આવે છે. પૂર્વજોને “છાંક પાડવી” (ભોગ અર્પણ કરવો) એ ખાસ વિધિ છે. પૂર્વજોને રાજી કર્યા બાદ જ હોળીના પર્વની સત્તાવાર શરૂઆત થાય છે.

ગામ દેવતી અને હોલિકા દહનની તૈયારી, ગિંબદેવની પૂજા બાદ બીજા દિવસે ગામ દેવતીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ હોલિકા દહન માટે નિશ્ચિત સ્થળે ખાડો ખોદવામાં આવે છે. ખાડો ખોદતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તે જગ્યા વર્ષોથી પરંપરાગત રીતે નિર્ધારિત હોય. ખાડામાં પુંજ અને સિક્કા મૂકવામાં આવે છે “દાંડ” (દિવેલીયાનો છોડ) રોપવામાં આવે છે ગાયના ગોબરથી બનેલા છાણા ગોઠવવામાં આવે છે

આ પ્રથાનો હેતુ એ છે કે આવનારા વર્ષે પણ એ જ પવિત્ર સ્થાન ઓળખી શકાય અને પરંપરા અવિરત ચાલુ રહે. ગીતો, ઢોલ અને સામૂહિક આનંદ હોલિકા દહન સુધી ગામમાં રોજ સાંજે એક અલગ જ માહોલ રહે છે. ગામના નાના બાળકો મુખીયા (વાવહો) ના ઘરેથી હોળીના ગીતો ગાવાની શરૂઆત કરે છે. દરેક ઘરમાં ઢોલના તાલ સાથે લોકગીતો ગવાય છે. ગામમાં એકતા, ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાય છે. હોળી અહીં માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પૂર્વજોની આસ્થા અને સમૂહિક એકતાનું પ્રતિક છે.

પરંપરા અને ઓળખનો પર્વ
હોળી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હોલિકા દહનથી લઈને પાંચમ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર આધ્યાત્મિકતા, કુદરત સાથેનો સંબંધ અને સમાજની એકતા દર્શાવે છે.

હોળી અહીં માત્ર એક ઉત્સવ નથી..
તે પૂર્વજોની યાદ, દેવતાઓની આરાધના અને ગામની સમૂહિક ઓળખનું જીવંત પ્રતિક છે.
આ પરંપરાઓ આજે પણ આદિવાસી સમાજની સંસ્કૃતિને જીવંત રાખે છે. જો આપણે આવી લોક પરંપરાઓને સમજીએ અને સાચવીએ, તો આવનારી પેઢી માટે એક સમૃદ્ધ વારસો છોડી શકીશું.

BY: હેમંત વસાવા..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here