નસવાડી: નસવાડી તાલુકાના પંખાડા ગામની સીમમાં બે દિવસ અગાઉ બનેલી અત્યંત ગંભીર અને માનવતાને શરમાવે તેવી ઘટનામાં નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળ્યું છે.
મહિલાની એકલતાનો લાભલઈ તેના પર બળાત્કાર ગુજારી, તેની હત્યા કરવાનો પ્રયાસ કરનાર આરોપી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત શુક્રવારે પંખાડા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં ભોગ બનનાર મહિલા એકલી હોવાનો લાભ લઈ આરોપી વિકેશભાઈ ઉર્ફે વીકો નારણભાઈ ભીલ એ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે ભોગ બનનારના ભાઈએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા બોડેલી ડિવિઝનના એએસપી હર્ષ શર્માના સીધા માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. ઝાલાએ તપાસનો દોર હાથમાં લીધો હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગુનાની કડીઓ મેળવવા માટે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. PSI આર.એસ. ડામોર અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને દબોચી લીધો હતો. તેને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.











