ધરમપુર: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે ગઈકાલે મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમનો તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધરમપુર વન વિભાગના સહયોગથી આ કાર્યક્રમમાં ગામની ખાલી જગ્યામાં 11,000 વૃક્ષારોપણની કરવાની શરૂઆત થઈ છે.

આ કાર્યક્રમમાં RFO શ્રી હિરેનભાઈ અને ફોરેસ્ટર શક્તિભાઈના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષોની જાળવણી માટે આગવું વ્યવસ્થા કરાઈ છે, જેમાં ખાસ કરીને નામશેષ થઈ રહેલા સ્થાનિક વૃક્ષો અને ફળદાયી વૃક્ષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફોરેસ્ટર શક્તિભાઈએ જણાવ્યું કે, “આ વૃક્ષો આવનારા સમયમાં ગામલોકો માટે અનેક રીતે ઉપયોગી થશે, જેમ કે ફળો, છાંયડો અને પર્યાવરણ સંતુલન.”

આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ, તેમજ સભ્યો શ્રી મગન પટેલ, મહેન્દ્ર પટેલ, જયેશ પટેલ અને ઉમેદ પટેલ હાજર રહ્યા હતા અને વન વિભાગના અધિકારીઓ સાથે મળીને વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. આ પહેલ ગુજરાતમાં વધતી હરિયાળી અભિયાનનો ભાગ છે, જેનાથી ગામડાઓમાં પર્યાવરણ જાગૃતિ વધશે અને ભવિષ્યમાં ગામલોકોને સીધો લાભ મળશે.