ધરમપુર: સખી વન સ્ટોપ સેન્ટર, વલસાડ અને ધરમપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ ધરમપુરમાં મહિલાઓ અને યુવતીઓ માટે આરોગ્ય, સાયબર સુરક્ષા તેમજ સરકારી કલ્યાણ યોજનાઓ વિશે મહત્વપૂર્ણ તાલીમ અને સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સાંઇનાથ હોસ્પિટલ, ધરમપુરના જાણીતા ચિકિત્સક ડૉ. હેમંતભાઈ પટેલે મહિલા આરોગ્ય સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે પ્રજનન આરોગ્ય, પોષણ, સ્ત્રીરોગોની સમયસર તપાસ તેમજ રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવણી અંગે વિગતવાર માહિતી આપી.
ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રેશિત ગામીતે સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે મહિલાઓને સુરક્ષિત રાખવા સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ, ઓનલાઇન ઠગાઈથી બચવાના ઉપાયો તેમજ કોઈ પણ જાતની મુશ્કેલીમાં તુરંત 112 ઇમરજન્સી હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન કર્યું.
સખી વન સ્ટોપ સેન્ટર, વલસાડના કેસ વર્કર જયોતિબેને કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ – જેમ કે 181 મહિલા હેલ્પલાઇન, વંદે ગુજરાત વિકાસની યોજનાઓ, પીએમ માતૃ વંદના યોજના, બેટી બચાવો બેટી પઢાવો વગેરે વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને એક જ છત નીચે તમામ સેવાઓ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની પણ રૂપરેખા આપી.
આ કાર્યક્રમનું સંચાલન ધરમપુર પોલીસ સ્ટેશનની ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટરના સભ્યોએ સંયુક્ત રીતે કર્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાઓએ ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો નિયમિત યોજવાની પ્રતિજ્ઞા લીધી છે. આવા કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં આરોગ્ય, સુરક્ષા અને અધિકારો પ્રત્યેની જાગૃતિ વધે તેવો વિશ્વાસ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.











