નર્મદા: ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અક્તેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના દીવાલમાં દટાઈ જવાથી મૃત્યુ થયા હતા. જેને પગલે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું.

પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ 50 લાખની સહાયની જાહેરાત કરાતાં મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકમાં લાંબી ચર્ચા અને મધ્યસ્થી બાદ વળતર અંગે સમાધાન સધાયું હતું. અને તંત્ર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય અને મૃતકના પરિવારમાંથી પુખ્તવયના વ્યક્તિને SoU ( સ્ટેચ્યુ ઓફ યુનિટી) માં નોકરી આપવાની બાહેધરી આપી છે.

આ સહાયની રકમ બે તબક્કામાં ચૂકવવામાં આવશે, જેમાંથી 20 લાખ રૂપિયા આજે જ સ્થળ પર અને બાકીના 30 લાખ રૂપિયા આગામી 10 દિવસમાં ચૂકવી દેવામાં આવશે.

આ ઘટના સરકારી હોસ્પિટલ ગરૂડેશ્વર ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તડવી, ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણેય મૃતકના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી અને તેમની રજૂઆતો સાંભળી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here