મહુવા: મહુવા તાલુકાના ગોપલા ગામમાં દિવાળીના દિવસે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો કરી દીધો છે. આ મારામારી માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થઈ એમાં માલધારી સમાજના અમુક લોકોએ આદિવાસી સમાજ લોકો પર જીવલેણ હુમલો કરાયાનો આક્ષેપ છે ત્યારે ગતરોજ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પીડિત પરિવારની મુલાકાત કરી ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગણી સાથે આદિવાસી સમાજ દ્વારા ગોપલા ગામમાં આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને અમુક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ બાકીના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડમાં આવ્યા નથી.
ધારાસભ્ય અનંત પટેલે મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવ્યા બાદમાં હાજર પોલીસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં બાકી રહેલા તમામ આરોપીઓને પકડવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ થશે.











