ખેરગામ: દિવાળીના દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજના ઘર કરી ગયેલી વર્ષો જૂની અંધશ્રદ્ધા નિવારણ માટે ખેરગામ તાલુકા આગેવાનો દ્વારા સ્મશાનમાં ખીચડી કઢી બનાવીને ભોજન કર્યું હોવાના દ્રશ્યો વાયરલ થયા છે.
દુનિયાભરના લોકો 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાના વમળનો શિકાર બની રહ્યા છે.કાળીચૌદસની રાત્રે તાંત્રિક વિધિ,મેલી વિદ્યાના નામ પર અનેક લોકોને આર્થિક,માનસિક,સામાજિક રીતે લેભાગુઓ નિર્દોષોને ખોખલા કરી નાંખતા હોય છે, કેટલીકવાર લોકોએ જિંદગીથી હાથ ધોવાનો વારો આવેલ છે.આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે આદિવાસી સમાજના ખેરગામ તાલુકાના આગેવાનો દલપત પટેલ, ભાવેશ,ભાવિન, કીર્તિ પટેલ, તિલક પટેલ, કુંદન, કાર્તિક, નિતેશ પટેલ, હિરેન, વિનોદ, પરિતેશ, કૃણાલભાઈ, રાહુલ, મેહુલ, જીજ્ઞેશ વગેરેએ ખીચડી કઢી,અથાણું, મૈસુરનું આયોજન કર્યું હતું.
અન્ય તાલુકાઓમાંથી શૈલેષભાઇ પટેલ, મયુર, ઉમેશ મોગરીવાડી, નરોતમભાઈ, અનિલભાઈ, નલિનીબેન, જાગૃત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ભોજન પ્રસંગે યુથલીડર ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે કાળીચૌદસની રાત્રીએ કેટલાંક ચૌદસિયાઓ તાંત્રિક વિધિના નામ પર દુઃખી અને લોભિયા લોકોને છેતરતા હોય છે.આમાં કેટલાય ગરીબ પરિવારોને બરબાદ થતાં જોયા છે અને અસામાજિક તત્ત્વો ભૂત પ્રેત,પીસાચના નામ પર મહિલાઓ સાથે પણ અઘટીત કૃત્યો કરતા હોય છે. આ બધું બંધ કરવા અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ અને અમે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સ્મશાનોમાં જઈને આ જનજાગૃતિનું કામ કર્યે છીએ અને અમને ક્યાંય ભૂતપ્રેત દેખાયા નથી,માટે ખોટી રીતે ડરવાનું બંધ કરો અને અસામાજિક તત્ત્વોથી સાવધાન રહો.











