નવસારી: નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં થયેલા સતત વરસાદને કારણે નવસારીના ગણદેવી તાલુકામાંથી વહેતી અંબિકા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
બીલીમોરા શહેરના નિચાણવાળા વિસ્તાર એવા બંદર રોડ, ધોબી તળાવ વિસ્તાર અને પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. દેગામ ચાલમાં 10થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. શિપયાર્ડ વિસ્તારમાં આવેલી આઈસ ફેક્ટરી નજીક 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. આમ અલગ અલગ વિસ્તારોમાં સૌથી વધુ ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
બીલીમોરા નગરપાલિકાના નગરસેવક મલંગ કોલીયાના જણાવ્યા મુજબ, કુલ 100થી 125 ઘરોમાં પાણી ભરાયા છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.નવરાત્રિના તહેવાર દરમિયાન આવેલી આ કુદરતી આફતને કારણે લોકોને પોતાની ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. રોજની કમાણીથી ગુજરાન ચલાવતા પરિવારો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.











