ખેરગામ: ખેરગામ રૂટની ગતરોજ વલસાડથી 10 વાગે ઉપડેલી બસનું એન્જિન ગરમ થઈ જતાં માંડ માંડ પાંચ કિલોમીટર ઘડોઈ ફાટકે આવીને અટકી ગઈ હતી. બસ પીપલખેડ જાય તેવી ન હોવાથી બસમાં બેઠેલા તમામ મસાફરોને ઉતરી જવા મજબૂર થવું પડયું હતું. પછી જે બસમાં જ્યાં સુધી જવાય તે રીતે મુસાફરોએ પ્રવાસ કરવો પડયો હતો.

વલસાડ-પીપલખેડની સવારે 10 કલાકે વલસાડ ડેપોથી ઉપડતી બસ ઘડોઈ પાસે આવીને ખામી સર્જાતા બસ અટકી ગઈ હતી, જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોએ ઘણી હાલાકી વેઠવી પડી હતી. આ બગડેલી બસ ડેપોમાં લગભગ 12 વાગ્યા પછી પરત થઈ તે પણ થોડે થોડે અંતરે ગરમ થઈ જતી હોય પાણી નાંખી નાંખીને લાવવામાં આવી હતી.

બસ આગળ ન જતા બસમાં બેઠેલા તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા અને બીજી બસ આવે તેની રાહ જોવી પડી હતી,ત્યારબાદ જેમ જેમ બસ આવતા મુસાફરો બેસીને ગયા હતા. આ જ બસ સાંજે વલસાડ ઢોલુમ્બર જતી હોય આજે વલસાડ ઢોલુમ્બર પર જે બસ દોડતી તે (3336)સવારે ઘડોઈમાં બગડી ગઈ હતી. જેથી સાંજના તેની જગ્યાએ 4475 નંબરની બસ આપવામા આવી હતી,તે પણ કલવાડામાં બગડી અને પછી તે ચાલુ થતા ઢોલુમ્બરના મુસાફરોને મુકવા ગઈ હતી.