વાપી: વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષીય યુવતીએ 40 વર્ષીય યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2020માં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવતીની મુલાકાત અંકલેશ્વરના યુવક સાથે થઈ હતી. બંનેએ એકબીજાના ફોન નંબર આપ્યા અને નિયમિત વાતચીત શરૂ થઈ. યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી. તેઓ વિવિધ સ્થળોએ મળવા લાગ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ દરમિયાન યુવકે લગ્નનું આશ્વાસન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા. થોડા સમય બાદ જ્યારે યુવતીએ લગ્ન માટે આગ્રહ કર્યો, ત્યારે યુવક વિવિધ બહાનાં બનાવીને ટાળતો રહ્યો. તાજેતરમાં યુવતીએ લગ્ન અંગે સ્પષ્ટ જવાબ માંગ્યો ત્યારે યુવકે સીધી ના પાડી દીધી હતી.
વીજ કંપનીમાં નોકરી કરતા આ યુવક વિરુદ્ધ યુવતીએ ગતરોજ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને તેનું નિવેદન નોંધ્યું છે. સોશિયલ મીડિયા પર થયેલી ચેટ સહિતના પુરાવા એકત્રિત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.

