દમણ: દમણના રીંગણવાડા વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ હાઈસ્કૂલની બહાર સોમવારે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શાળા છૂટ્યા બાદ ઘરે જવા માટે ઉભા રહેલા ત્રણ વિદ્યાર્થીઓને કચરો ઉપાડતા ટ્રેક્ટરે અડફેટે લીધા હતા. ટ્રેક્ટર ચાલકે બેફામ ગતિથી વાહન હંકારતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્રણ વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીમાં રિંકી મહેશ યાદવ અને અનુ દિલીપ કુમારરાય નો સમાવેશ થાય છે. 108માં ઘાયલ વિદ્યાર્થીઓને મોટી દમણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલક ઘટના બન્યા બાદ વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને જલ્દી તેને પકડી પાડવાના પ્રયત્નો કરી રહી છે.
દમણ જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન મંગળવારે મોટી દમણ હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. અકસ્માત સર્જનાર ટ્રેક્ટરની એજન્સી દ્વારા ઘાયલ વિદ્યાર્થીઓને વળતર ચૂકવવામાં આવશે.

