સુરત: વરિયાવમાં વરસાદી પાણીની લાઈનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. 11 કર્મચારીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ હતી. એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતાં રજા મૂકીને સારવાર લેવાની ફરજ પડી છે. અન્યને આંખે સોજા આવી ગયા છે. તેમણે પોતાના અનુભવ જણાવતાં અધિકારીઓ ચોંકી ઉઠયો હતા. કર્મચારીઓએ કહ્યું કે, આગળ ચાલતાં અધિકારીને ગેસની તીવ્ર અસર થઇ હતી.

કેદારના સર્ચ ઓપરેશન બાદ ખબર પડી હતી કે ઝેરી ગેસ તેમના મગજ અને હૃદય સુધી પહોંચી ગયો હતો, જેથી પોતાની ફરજ પરથી રજા લઇને તેમણે સારવાર કરાવવી પડી હતી. Decision News  ને મળેલી માહિતી મુજબ વરસાદી લાઈનમાં ઉતરનાર એક માર્શલે કહ્યું કે, અંદર ઝેરી ગેસ હોવા છતાં અમે ખડે પગે તૈનાત રહ્યા હતા. આ સર્ચ ઓપરેશન પછી મને સતત ઉધરસ આવી રહી છે, ગળું દુ:ખે છે અને કમરથી નીચેનો ભાગ 5-6 કલાક સુધી ગંદા પાણીમાં રહ્યો હોવાથી હજુ ખજવાળ આવી રહી છે. કાદવના થરમાંથી કેદારનો મૃતદેહ શોધી કાઢનાર કુમાર નાયડુ કંપનીના કર્મચારી રાહુલ રાઠોડે કહ્યું કે, આ લાઇફનો સૌથી પડકારજનક અનુભવ હતો.

અત્યાર સુધી માત્ર પમ્પિંગમાં સફાઇ માટે જ ઉતરતા હતા. કાદવના થરમાં સતત 40 મિનિટ સુધી શોધખોળ કરતા બીજા દિવસે ઇન્ફેક્શન થઈ આંખ પર સોજા આવી ગયા હતા.કેદારને શોધવા ફાયર જવાની ઉતર્યા ત્યારે ગટરમાં સાપનો પણ સામનો કરવો પડયો.આવું જોખમી સર્ચ ઓપરેશન કરવાનો મારા કાર્યકાળનો પહેલો અનુભવ હતો. આ પહેલાં મેં ઘણીવાર ખાડીમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશનો કર્યાં હતાં, જેનો અનુભવ મને અહીં કામ લાગી ગયો. આ બાબતે કોલ મળતાં જ અમે સ્થળ પર પહોંચીને વરસાદી લાઈનમાં ઊતર્યા ત્યારે ગેસની તીવ્ર અસર વર્તાતી હતી છતાં બાળકને જીવતો શોધી કાઢવાના પ્રયત્નોમાં સાહસ કરીને વરસાદી લાઈનમાં ઉતર્યા હતા. લાઈનની વચ્ચે પહોંચ્યા ત્યારે સાપ પણ દેખાતા હતા તથા અનેક જીવ-જીવાત પણ હતી. મારા સાથી કર્મચારી દિનુ પટેલને ટૉર્ચ મારી આ બાબતે મેં સચેત કર્યાં હતાં.